ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે અગાઉ થયેલ જમીન બાબતના જૂના વિવાદનો ખાર રાખી ચાર ભત્રીજાઓએ પોતાના ૭૦ વર્ષીય કાકાને માર માર્યાની ઘટના સામે આવી છે. જેમાં મહાકાળી માતાજીના મંદિરે શ્રીફળ વાધેરવા આવેલ કાકાને ચારેય ભત્રીજાઓએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ ભોગ બનનાર વૃદ્ધે વધુ માર મારવાના ડરના કારણે બનાવના એક મહિના બાદ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી-૨ સો ઓરડી રોડ પરશુરામ પોટરી વિસ્તારમાં રહેતા ધનજીભાઈ દેવજીભાઈ જાદવ ઉવ.૭૦ તા. ૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે મહાકાળી માતાજીના મંદિરે શ્રીફળ ચઢાવવા ગયા હતા. તે દરમિયાન અગાઉ જમીન બાબતે થયેલી બોલાચાલીના કારણે ખાર રાખનાર તેમના ચાર ભત્રીજાઓ દેવજીભાઈ, હરેશભાઈ, રમેશભાઈ અને નરેશભાઈ માવજીભાઈ જાદવ તમામ રહે. ઘુનડા(સ) તા. ટંકારા વાળાએ મંદિર બહાર શેરીમાં તેમને રોકી ‘તારે અહીં આવવાનું નથી’ તેવી બોલાચાલી કરી હતી. ત્યારે ફરિયાદી દ્વારા કહેલ કે મંદિર સૌનું છે, તેમ કહેતા ચારેય આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી લાકડાના ધોકા વડે તેમજ ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હતી. ત્યારે આ હુમલામાં વૃદ્ધને શરીરે ઇજાઓ પહોંચી હતી. હાલ આ બનાવ અંગે ટંકારા પોલીસે ચારેય આરોપીઓ સામે બી.એન.એસ. કલમ અને જી.પી. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.









