મોરબી શહેર પોલીસ દ્વારા પૂર્વ બાતમીને આધારે શનાળા બાયપાસ નજીક આવેલ મનુભાઈ પાર્કમાં આવેલ રહેણાંક મકાનમાં રેઇડ કરી ઈંગ્લીશ દારૂની નાની-મોટી ૭૨ બોટલ ઝડપી લેવામાં આવી હતી. રેઇડ દરમિયાન આરોપી મકાન-માલીક હાજર નહિ મળી આવતા, તેને ફરાર જાહેર કરી પોલીસે આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી કે, શનાળા બાયપાસ નજીક તુલસી પાર્કની બાજુમાં આવેલ મનુપાર્કમાં આરોપી નિલેશભાઈ ઉર્ફે હકુ પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જેથી તુરંત ઉપરોક્ત સ્થળે પોલીસ ટીમે રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન ઘરમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ અને ક્ષમતાની કુલ ૭૨ નંગ બોટલ કિ.રૂ.૨૩,૫૨૦/- મળી આવી હતી. જ્યારે આરોપી નિલેશભાઈ ઉર્ફે હકુ પુનાભાઈ વાળા દરોડા દરમિયાન હાજર નહિ મળી આવતા, પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઈ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.









