ભારતને આઝાદી મળ્યાને 79 વર્ષ થઈ ગયા છે. 15 ઓગસ્ટ 1947 ના રોજ દેશને બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી. જેની ઉજવણીનાં ભાગરૂપે ટંકારા તાલુકાનાં વિરપર ગામે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અધિકારીઓ, પદાધિકારીઓએ તિરંગો ફરકાવી સલામી આપી હતી.
ભારતના 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ટંકારા તાલુકાના વિરપર ગામે ઉત્સાહ અને દેશભક્તિના જોમ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે વિરપર ગૌશાળા ગ્રાઉન્ડ ખાતે તાલુકા કક્ષાનો ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટંકારાના મામલતદાર પી.એન. ગોરે ખુલ્લા આકાશ નીચે રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવી સલામી આપી હતી. જેમાં તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓ, રાજકીય અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ અને વિરપર ગામના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તિરંગાને સલામી આપ્યા બાદ બાદ પોલીસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ જવાનોએ શિસ્તબદ્ધ રીતે પરેડનું પ્રદર્શન કરી દર્શકોના દિલ જીતી લીધા હતા. આ સાથે, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં દેશભક્તિના રંગે રંગાયેલા નૃત્ય, ગીત અને નાટકો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમોમાં સ્થાનિક છાત્રો અને યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેનાથી વાતાવરણ દેશભક્તિના ઉમંગથી ભરાઈ ગયું હતું. આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિઓ અને કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
મામલતદાર પી.એન. ગોરના હસ્તે તેમને પ્રમાણપત્રો અને સન્માનચિહ્નો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેનાથી તેમનું મનોબળ વધ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકાના અધિકારીઓએ દેશની આઝાદીના મહત્વ અને આજના સમયમાં દેશની પ્રગતિમાં નાગરિકોની ભૂમિકા અંગે પ્રેરક વક્તવ્યો આપ્યા હતા. વિરપર ગામના નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈને દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ગામના યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો સહિત જીલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન કમળાબેન અશોકભાઈ ચાવડા સરપંચ મહેશભાઈ લિખિયા જ્યારે ચુંટાયેલા મહિલા સભ્યના પ્રતિનિધિ વસંતભાઈ માંડવીયા, નથુભાઈ કડીવાર, ભાજપના જીલ્લા પ્રમુખ રાજકોટીયા, ધર્મેન્દ્રભાઈ, દિનેશભાઈ, ગણેશભાઈ, અશોકભાઈ સહિતના તમામ વય જૂથના લોકો એકસાથે જોડાયા હતા. જેનાથી ગામમાં એકતા અને સૌહાર્દનું વાતાવરણ સર્જાયું હતું. આ કાર્યક્રમનું સફળ આયોજન ટંકારા તાલુકા વહીવટી તંત્ર અને વિરપર ગામના સ્થાનિક આગેવાનોના સહયોગથી શક્ય બન્યું હતા. 79મા સ્વાતંત્ર્ય દિવસની આ ઉજવણીએ નાગરિકોમાં દેશપ્રેમની ભાવનાને વધુ મજબૂત કરી અને રાષ્ટ્રની પ્રગતિ માટે સૌને એકજૂટ થવા પ્રેરણા આપી હતી.