મોરબીના અલગ-અલગ વિસ્તારમાં હાલ જાણે જુગારીઓ માટે સિઝન ખુલી હોય તેમ જુગારના નાના-મોટા કેસો નોંધાઈ રહ્યા છે. તેમાં પણ કેટલાક લોકો ભેગા વળીને જુગાર રમાડી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસે રંગપર ગામની સીમમાં ગોળ કુંડાળું વળી જુગાર રમતા ૮ બાજીગરોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, રંગપર ગામની સીમમાં મેસરીયા જવાના કાચા રસ્તા પાસે પાધરના તળાવના પટમાં બાવળની ઝાળીમાં જાહેરમાં અમુક ઈસમો ગોળ કુંડાળું વળી જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી વનાભાઇ ગેલાભાઇ મેર (રહે.સતાપર તા.વાંકાનેર જી.મોરબી), રમેશભાઇ મીઠાભાઇ મેર (રહે.નાળીયેરી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર), રવુભાઇ ઉર્ફે મુન્નો જીલુભાઇ કારીયા (રહે.ભલગામ તા.વાંકાનેર જી.મોરબી), જયરાજભાઇ વલકુભાઇ ખાચર (રહે.ભલગામ તા.વાંકાનેર જી.મોરબી) તથા શીવકુભાઇ દડુભાઇ ખાચર (રહે.રંગપર તા.વાંકાનેર જી.મોરબી) નામના શખસોને જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી કુલ રોકડા રૂપીયા-૨૧,૩૦૦/- તથા રૂ.૯૦,૦૦૦/-ની કિંમતના ૦૩ મોટર સાયકલ મળી કુલ રૂ.૧,૧૧,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જયારે રેઇડ દરમ્યાન જયરાજભાઇ ઓઢભાઇ તકમરીયા (રહે-રંગપર તા.વાંકાનેર), દીલીપ મોટભાઇ ખાચર (રહે-રંગપર તા.વાંકાનેર જી.મોરબી) તથા રમેશભાઇ ઉર્ફે દેવો માવજીભાઇ ચૌહાણ (રહે.સરોડી તા.થાનગઢ જી.સુરેન્દ્નનગર) નામના શખ્સો નાશી જતા તેઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.