હળવદ તાલુકાના ધૂળકોટ ગામે આવેલા શક્તિ માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. મંદિરમાંથી અજાણ્યા ચોર દ્વારા આશરે રૂ.૭૫ હજારના સોના-ચાંદીના છતર અને દાગીનાની ચોરી કરવામાં આવી છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મંદિરમાં ચોરી અંગેની મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના ધૂળકોટ ગામે રહેતા અર્જુનસિંહ હરભમજી જાડેજા ઉવ.૪૯ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, ગત તા. ૧૭ માર્ચની રાત્રે અજાણ્યા ચોર ઇસમે મંદિરમાં ઘૂસી ચોરીને અંજામ આપ્યો હતો. બીજા દિવસે સવારે ગામના દિગ્વિજયસિંહ જાડેજાએ ફોન કરી મંદિરમાં ચોરી થયાની જાણ કરતા ફરિયાદી મંદિરે પહોંચ્યા હતા. તપાસ કરતા ચાંદીના આશરે ૭૦ નાના-મોટા છતર અને એક મુગટ કુલ વજન અંદાજે દોઢ કિલો કિ.રૂ.૪૫,૦૦૦/-તેમજ સોનાના આશરે ૧૦ છતર અને બે ટીલડી કુલ વજન અંદાજે એક તોલા કિ.રૂ.૩૦,૦૦૦/- એમ કુલ મળી રૂ.૭૫ હજાર જેટલો મુદ્દામાલ અજાણ્યા ચોર ચોરી કરી ફરાર થઈ ગયો હતો. હાલ હળવદ પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









