ટીંબડી ગામમાં પ્રવેશતાની સાથે જ સરસ્વતી માતાનું મંદિર એટલે કે પ્રાથમિક શાળાના દર્શન થાય છે. આ શાળામાંથી અન્ય શાળાઓ પ્રેરણા લે તેવી પ્રતિષ્ઠારૂપ, નમૂનારૂપ અને અગ્રેસર છે. વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન મળી રહે તેવું શાળાનું વાતાવરણ છે. શાળામાં બાગ નહિ પણ બાગમાં શાળા હોય એવી અનુભૂતિ થાય છે.શાળાની સચિત્ર બોલતી દીવાલો જોઈને જોનારની આંખો ચાર થઈ જાય તેવું સુંદર મજાનું રંગબેરંગી ચિત્રકામ છે. આવી સપનાની શાળા બનાવવાનું શ્રેય જાય છે ટીંબડી શાળાના શિક્ષકોને. કોરોના મહામારીમાં લોકડાઉનના કારણે શાળાઓ અનઅધ્યયન હતી. સમગ્ર ભારત ઘરોમાં પુરાઈ ગયું હતું, ત્યારે શાળાના તમામ શિક્ષકગણે વહેલી સવારે ટિફિન લઈ નીકળી પડવાનું નક્કી કર્યું, અને મસમોટું મેદાન તથા લાંબી કમ્પાઉન્ડ વોલ ધરાવતી શાળા રંગબેરંગી ચિત્રોથી સુશોભિત કરવાનું બીડું ઝડપ્યું. કમલ એટલે કમલેશભાઈએ નક્કી કર્યું કે “જે શિક્ષકોને અનુકૂળ હોય એ આવે, હું દરરોજ આવીશ.”
શાળાના આચાર્ય, સમગ્ર શાળા સ્ટાફ પરિવાર તેમજ સી.આર.સી. કો-ઓર્ડીનેટર રાજેશભાઈ ઘોડાસરાના સહકારથી કમલેશભાઈ દલસાણીયા કાચ પેપર લઈને મંડયા વર્ગખંડોની, કમ્પાઉન્ડ વોલની દીવાલો ઘસવા. રવિશંકર મહારાજે કહ્યું છે ને કે, ઘસાઈને ઊજળા થઈએ..!અહીં શિક્ષકો પોતે શાળા માટે ઘસાઈને ઊજળા થયા અને શાળાને પણ ઊજળી બનાવી.. દીવાલો પર ઓઈલ પેઈન્ટ કર્યું, દીવાલોને નવોઢાની જેમ સજાવી દીધી,ચિત્રો દોરવા માટે સુસજ્જ બનાવી દીધી.કમલભાઈ પોતે એક સારા કલાકાર ચિત્રકાર હોય, કલર અને પીંછી લઈને ચિત્રો દોરવાની શરુઆત કમલેશભાઈએ શાળાના શૌચાલયથી કરી. શૌચાલયને એવું બનાવી દીધું કે જાણે સુંદર મજાનો મહેલ હોય! બહાર લખેલ બોર્ડ પરથી જ ખ્યાલ આવે કે આ શૌચાલય છે, અન્યથા ખ્યાલ જ ન આવે એવું નયનરમ્ય છે. શિક્ષકોએ પોતાની આવડત, સૂઝબૂઝ, મહેનત અને લગનથી સમગ્ર શાળા પરિવારને સાથે રાખી શાળાની કાયા પલટ કરવાની કમર કસી અને તેનું સુંદર પરિણામ મળ્યું અનેક અધિકારીમઓ અને પદાધિકારીઓએ આ શાળાની મુલાકાત લીધી છે અને સમગ્ર શિક્ષકગણની કર્તવ્ય નિષ્ઠાને બિરદાવી છે.
છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વ સહિત સમગ્ર દેશ અને સમગ્ર રાજ્યમાં “કોરોના” મહામારીએ માઝા મૂકી છે તેથી ભારત સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે લોકોને આ આફતને અવસરમાં પલટવાનું સૂચન કર્યું. આ સૂચનને કમલેશભાઈ દલસાણીયાએ જીવન સૂત્ર બનાવી દીધું. તારી હાક સુણી કોઈ ન આવે તો એકલો જાને રે… એકલો જાને રે…લોકડાઉનના શરૂઆતના ચાર-સાડા ચાર મહિના દરમિયાન સમગ્ર શાળા પરિવારને વિશ્વાસમાં લઈ પોતે ટાઈમ, ટિફિન અને ટિકિટ લઈ શાળાએ પહોંચી જતાં શાળાની તમામ દીવાલો, તમામ ખૂણા ખાંચાને ઘસી ઘસીને સાફ કર્યાં. દરેક જગ્યાએ ઓઈલ પેઇન્ટિંગ કર્યું અને પછી પોતે ચિત્રકાર હોય આગવી સૂઝબૂઝથી જાત મહેનત જિંદાબાદ કરી પીંછી અને રંગથી મંડયા ચિત્રો દોરવા. કામ ખૂબ જ વધુ હોય રાજકોટ અને મોરબીથી પેઇન્ટરો બોલાવ્યા, કડિયાની મદદથી દીવાલો લાંબી અને ઊંચી કરી દીવાલના ઉપરના ભાગે કવિ-લેખકો, સમાજ સુધારકો, સંતો-મહંતો, વૈજ્ઞાનિકો, દેશનેતાઓ, ક્રાંતિકારીઓ, રાજા મહારાજાઓના ફોટા સાથેના જીવન કવન દોર્યા. મોરબીના ઐતિહાસિક વારસોનાં ચિત્રો, દેશ દેશાવરની માહિતી, ધોરણ 1 થી 8 નો સમગ્ર અભ્યાસક્રમ દીવાલો પર દોરાવી દીવાલોને બોલતી નહિ પણ જાણે હાલતી અને ચાલતી કરી દીધી. આ બધું કરવામાં આશરે ત્રણેક લાખ જેટલી રકમનો ખર્ચ થયો,જે સંપૂર્ણ લોકસહયોગથી સમયનો સદુપયોગ કરી બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે તેવું વાતાવરણ નિર્માણ કર્યું અને આ બધું કમલેશભાઈની કર્તવ્યનિષ્ઠા, પ્રતિબદ્ધતા, સર્વે શિક્ષકગણની સંકલ્પબદ્ધતા અને સમર્પિત ભાવથી શક્ય બન્યું. આ શાળાના શિક્ષકો હંમેશાં કર્મને જ ધર્મ માને છે.
શાળામાં પગ મુકતાની સાથે શાળા જોવા જેવી,જાણવા અને માણવા જેવી લાગે છે. “શિક્ષક કભી સાધારણ નહિ હોતા, જો સાધારણ હોતા હૈ વો શિક્ષક નહીં હોતા.” ચાણક્યના આ સૂત્રને શિક્ષકોએ સાર્થક કરી બતાવ્યું છે અને પોતાના કામ થકી મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. લોકડાઉનમાં લાજવાબ બનેલી ટીંબડી શાળા” જોવા જેવી, જાણવા જેવી, માણવા જેવી છે. સમાજ અને શાળાનો સેતુ રચાયો છે. ગ્રામજનોને શાળા પોતીકી લાગે છે. આ શાળાને જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે. જી.સી.ઈ.આર.ટી. દ્વારા સ્વચ્છ શાળા પુરસ્કારથી નવાજવામાં આવી છે. એક સમયે માત્ર પચાસ વિદ્યાર્થીઓ ધરાવતી આ શાળામાં આજે 250 જેટલા વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. ધરાવતી શાળઆમ લોકડાઉનમાં લાજવાબ બનેલી ટીંબડી શાળાનું વર્ણન કરતા દિનેશભાઈ ડી.વડસોલા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જણાવેલ છે કે આ શાળાની મુલાકાત બદલ હું ગૌરવ અનુભવું છું.