આગામી તા. ૧૮ના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તૌકતે નામનું વાવાઝોડું ત્રાટકે તેવી આગાહી હવામાન વિભાગે કરતા મોરબી જિલ્લા કલેકટર દ્વારા દરિયાકાંઠાની ૧૦ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા મોરબી તાલુકાના ઢૂઈ, રામપર, પાડાબેકર, ઝીંઝુડા, ઉંટબેડ (શા.), બેલા, આમરણ, ફડસર અને રાજપર કુંતાસી સહિતના સાત અને માળીયા તાલુકાના વર્ષામેડી, વવાણીયા, બોડકી અને બગસરા સહિત ચાર ગામ મળી કુલ ૧૧ ગામોમાં ઉચ્ચ અધિકારીઓની ટીમને દોડાવી નાયબ મામલતદાર, તલાટીની વિશેષ ટીમોની નિયુક્તિ કરવામાં આવી છે આ દરમિયાન સંભવિત વાવાઝોડા તૌકતેનો ખતરો જોતા શનિવારે સાંજે એનડીઆરએફની બે ટીમો મોરબી આવી પહોંચતા એક ટીમ મોરબી અને એક ટીમ માળીયા ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવી હોવાનું જણાવી કલેકટર જે. બી. પટેલે આગોતરા આયોજન માટે બેઠક યોજી હતી. જેમાં જિલ્લા પોલીસ વડા, ડીડીઓ, એસડીએમ મોરબી અને હળવદ, માર્ગ અને મકાન વિભાગ, નવલખી પોર્ટ ઓફિસર, ફોરેસ્ટ ઓફિસર, બીએસએનએલ, ફિશરીઝ, એસટી અને પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે વાવાઝોડા દરમિયાન ઉક્ત ૧૧ ગામોમાંથી ફક્ત એક જ સગર્ભા મહિલા હોય તેમને પીએચસીમાં ખસેડવા તેમજ જરૂર જણાયે અસરગ્રસ્તો માટે આશ્રયસ્થાન સહિતની સુવિધા માટે આગોતરું આયોજન કરાયું હોવાનું તેમણે જણાવ્યું હતું.