ટંકારા : કોરોના મહામારીના બીજા રાઉન્ડમાં ટંકારા તાલુકામાં વિકટ પરિસ્થિતિ વચ્ચે સિવિલ હોસ્પિટલના ડોક્ટર અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસરે અનેક દર્દીઓને દવા સાથે દિલાસો આપી દીલેરી દાખવી હતી, હોસ્પિટલોમાં હાઉસફુલ જેવી સ્થિતિ વચ્ચે કોરોના દર્દીઓ માટે ઈશ્વરીય સહાય બનીને આવેલા આ બન્ને સેવામૂર્તિઓએ દર્દીના ઘેર જઈને અડધી રાત્રે સારવાર આપી માનવતા મહેકાવી દાક્તરી ધર્મને દિપાવ્યો હતો.
એપ્રિલ માસમાં કોરોનાની બીજી લહેર કાળ બનીને ત્રાટકતા લોકો ટપો ટપ મરતા હતા ત્યારે ટંકારા તાલુકામાં અત્યંત વિકટ કહી શકાય તેવી પરિસ્થિતિમાં કોવિડ કેર સેન્ટરના અભાવે લોકો ખુબ જ મુશ્કેલીમાં મુકાયા હતા. આ સમયે દેવદૂત સમાન ટંકારા સિવિલ ડો. આદિત્ય દવે અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દર્શન ઉદેશી રાત દિવસ જોયા વગર દર્દીઓના શ્વાસ બચાવવા સતત ખડેપગે રહ્યા હતા.
ટંકારા મા એક પણ કોવિડ કેર સેન્ટર ન હોય બીજી બાજુ હોસ્પિટલમાં જગ્યા ખાલી ન હોય દર્દી નો સ્નેહી રીતસર મદદની ભીખ માંગી કોરોના પેશન્ટનો જીવ બચાવવા કાકલૂદી કરતા હતા આવા કપરા સમયે અડધી રાત્રે ધરે-ધરે જઈને દર્દીના ચેકઅપ, દવા અને જરૂરી સારવાર આપી ધરતી ઉપરના ભગવાનનુ ઉક્તિને સાચી કરી બતાવી હતી.
ડો. આદિત્ય દવે ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમા MBBS છે,તેઓને અમદાવાદ ખાતે કોરોના દર્દીઓની સારવારનો અનુભવ કામે લગાડી અનેક ને નવજીવન આપ્યુ તો દર્શન ઉદેશી પણ તાલુકા હેલ્થ કચેરીના કર્મચારી છે અને તેમના હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવે છે સ્વ. માતાની વેન્ટિલેટર પરની સારવારનો જાત અનુભવ કામે લગાડી તેમને પણ અનેક કોરોના દર્દીઓને સારવાર આપી માનવતા ધર્મ નિભાવ્યો હતો.