વાંકાનેર માર્કેટિંગ યાર્ડ કાર્યરત કરવા તથા વાવાઝોડાના કારણે થયેલ નુક્શાનનું વળતર ચૂકવવા વાંકાનેર કોંગ્રેસના ધારાસભ્ય મહમદ પીરઝાદાએ મુખ્યમંત્રીને કરી લેખીત રજુઆત કરી છે. આ રજુઆતમાં તેઓએ જણાવ્યું છે કે કોરોનાને પગલે વાંકાનેર માર્કેટીંગ યાર્ડ છેલ્લા આશરે ચાલીસ દિવસોથી બંધ છે જેના કારણે ખેડૂતોએ પોતાનો માલ સસ્તામાં વહેંચવો પડે છે. અને ઘણા ખેડૂતો આર્થિક ભીંસ અનુભવે છે. ચોમાસુ નજીક હોય ખેડૂતોને ખાતર, દવા, બિયારણ માટે તાત્કાલિક પૈસાની જરૂરીયાત ઉભી થઈ છે. માટે તાત્કાલિક ધોરણે માર્કેટ યાર્ડ કાર્યરત કરવામાં આવે તેવી માંગણી છે.
વધુમાં તાજેતરમાં તાઉતે વાવાઝોડાનાં કારણે મતવિસ્તાર કુવાડવામાં બાજરી, જુવાર, તલ, મગ, અડદ, લીલોચારો, રજકાબી, ડુંગળી, સહિતના પાકોમાં મોટા પાયે નુકસાન થયેલ છે. અને મોટાભાગનો પાક સંપૂર્ણ નુકસાન પામેલ છે. તો તાત્કાલિક ધોરણે સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર ચુકવવામાં આવે તેવી રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી માંગણી કરવામાં આવી છે.