મોરબી-માળીયા(મીં) નાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી, મુખ્યમંત્રી, આરોગ્ય સચિવ અને આરોગ્ય કમિશ્નરને વિગતે પત્ર લખી મોરબી જિલ્લાના ૧૮ થી ૪૪ વય જૂથના લોકોને વેક્સિન સુવિધા તાત્કાલિક મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે. તેમણે આ અંગે વિગતવાર પત્રમાં જણાવ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના સામે વેક્સિનને અમોધ શસ્ત્ર તરીકે લેખાવ્યું છે તેને અનુરૂપ ગુજરાત સરકાર દ્વારા જુદા-જુદા જિલ્લાઓમાં જુદી-જુદી વય જૂથમાં વેક્સિન મૂકવાની કામગીરી પુરજોષમાં ચાલુ છે. તેજ રીતે મોરબી જીલ્લામાં હાલ ૪૫ થી ઉપરના વય જૂથના લોકોની વેક્સિનની કામગીરી થઈ રહી છે તે બદલ ગુજરાત સરકારનો હું આભારી છું. પરંતુ અમુક જિલ્લાઓમાં હાલ ૧૮ થી ૪૪ વય જૂથની વેકિસનેશનની કામગીરી પણ થઇ રહી છે તે પણ આવકાર્ય છે. મોરબી જિલ્લામાં અન્ય જિલ્લાઓની સરખામણીમાં કોરોનાના સંક્રમણનું પ્રમાણ પણ ઊંચું રહ્યું છે તેમજ મોરબી જીલ્લામાં કમનશીબે કોરોનાને લીધે મૃત્યુઆંક પણ અન્ય જિલ્લાઓની સાપેક્ષમાં વધુ રહ્યો છે. અત્યારે મોરબી જીલ્લામાં મ્યુકોરમાઇસીસ રોગે પણ માથું ઊંચક્યું છે. આ બધી સ્થિતિમાં મોરબી જિલ્લામાં ૧૮ થી ૪૪ વર્ષ જૂથના વેક્સિનેશનની સુવિધા અપાય તે માટે અગ્રતાના ધોરણે સમાવેશ કરવા માંગણી કરી છે. મોરબી એ સિરામિક ઉદ્યોગનું હબ ગણાય છે, મોરબીમાં અન્ય રાજ્યો અને અન્ય દેશોમાંથી પણ અનેક વેપારીઓ, ટ્રક ચાલકો, કારીગરો વિગેરેની આવન જાવન મોરબીમાં સવિશેષ રહે છે. તે જોતાં મોરબીના ૧૮ થી ૪૪ વય જૂથના લોકોને વેક્સિન મળી રહે તે માટે મોરબી જિલ્લાને ટોચ અગ્રતાથી આવી સુવિધા અપાય તેમ કરવું ખૂબ જરૂરી છે. મોરબીના યુવાનો, બહેનો, જુદી-જુદી સ્વૈચ્છિક સંસ્થાઓની પણ આવી લોક લાગણી રહી છે. તે જોતાં આ માંગણી સત્વરે સંતોષાય તેવી વ્યવસ્થા કરવા માંગણી કરી છે.