ગેરમાન્યતાઓમાંથી બહાર આવી રસીકરણ માટે સૌને આગળ આવવા અપીલ
કોરોનાના કહેરમાં એકમાત્ર હાલમાં બચવાનો ઉપાય હોય તો તે છે કોરોના કવચ સમાન વેક્સીન. હાલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ લોકોને સમયસર રસી મળી રહે તે માટે વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવા જ એક પ્રયાસના ભાગરૂપે મોરબી જિલ્લામાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના રસીકરણ માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ તેમજ મોરબી જિલ્લા સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કિન્નરો માટે શહેરના સો ઓરડી ખાતે આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોરબીના કિન્નરોએ રસી લીધા બાદ એક સ્વરે જણાવ્યું હતું કે, રસીની કોઇ આડઅસર જણાતી નથી. લોકોએ પણ રસી અંગેની ગેરમાન્યતાઓમાંથી બહાર આવી રસીકરણ કરાવવું જોઇએ.
મહામારીમાં કોરોના સામે સુરક્ષા કવચ મળી રહે તે માટે આરોગ્ય વિભાગ સાથે સંકલનમાં રહીને જિલ્લા સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે ખાસ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.