મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી શહેરમાં ભક્તિનગર સર્કલથી ઉમિયા સર્કલ, નવા બસ સ્ટેશન, ગાંધીચોક, નગર દરવાજા થઈને વી.સી. હાઇસ્કૂલથી નટરાજ ફાટકનો જે બિસ્માર રસ્તો છે તે ડામર પટ્ટીથી રી-સર્ફેસિંગ કરવા રૂ. ૩ કરોડનો જોબ નંબર મેળવ્યો છે તે અંતર્ગત ટેન્ડર પ્રક્રિયા ઝડપભેર હાથ ધરાવી એજન્સી મુકરર કરીને વર્ક ઓર્ડર આપી દેવાયો છે. મોરબી શહેરનો ખૂબ મહત્વનો એવો આ રસ્તો ચોમાસા દરમિયાન વચ્ચે ઉઘાડ નીકળશે ત્યારે કામ ચાલુ કરી દેવા ધારાસભ્યએ માર્ગ – મકાન વિભાગના સ્થાનિક ઈજનેરોને સૂચના આપી છે. વધુમાં ગાંધી ચોક પાસે સરકારી હોસ્પિટલ સામે જે સર્કલ આવેલું છે ત્યાં નગરપાલિકા અને માર્ગ – મકાન વિભાગ દ્વારા સિમેન્ટ – કોંક્રીટથી આ જંકશનનું કામ થાય તેવું આયોજન પણ હાથ ધરાય રહ્યું છે. આમ, મોરબી શહેરનો અતિ મહત્વનો એવો ભક્તિનગર સર્કલથી છેક મહારાણા પ્રતાપ સર્કલ સુધીનો ૪.૫ કી.મી.નો રસ્તો પુનઃ ડામર સપાટીથી રૂ. ૩ કરોડના ખર્ચે રી-સરફેસિંગ થશે.