મોરબી જીલ્લામાં વેક્સીનેશન અભિયાનને વેગવંતુ બનાવવા કોલેજ-વિદ્યાર્થીઓ જાગૃતિ અભિયાન ચલાવશે
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ઝડપી વેક્સીનેશન થાય અને રાજ્યના દરેક નાગરિક વેક્સીન લે તે માટે સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે જે ઉપલક્ષ્યમાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા યુનીવર્સીટીના વિદ્યાર્થીઓ અને પરિવારજનો કોરોનાની મહામારીમાં રક્ષણ મેળવે તે માટે કોરોના વેક્સીનેશન અભિયાન કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી અને ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ શરુ કરવામાં આવેલ છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર યુનીવર્સીટી સંલગ્ન મોરબી શહેર અને જીલ્લાની કોલેજોમાં વેક્સીનેશન અભિયાન અંગે મોરબીના વીરપર નજીક નવયુગ કોલેજ (નવયુગ સંકુલ) ખાતે આજરોજ તા. ૦૭ ના રોજ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી, આઈ.કયુ.એ.સી.ના ડાયરેક્ટર ડો. ગીરીશભાઈ ભીમાણી તેમજ નવયુગ સંકુલના પ્રમુખ પી ડી કાંજીયા, પાલિકાના કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ, નવયુગ કોલેજના ટ્રસ્ટી બળદેવભાઈ સહિતના અગ્રણીઓ તેમજ મોરબી જીલ્લાની ૦૬ સરકારી અને ૧૯ સેલ્ફ ફાયનાન્સ કોલેજ મળીને ૨૫ કોલેજના ટ્રસ્ટીઓ અને પ્રિન્સીપાલ ઉપસ્થિત રહ્યા હતા
જે મીટીંગમાં કુલપતિએ જણાવ્યું હતું કે કોરોના સામે રક્ષણ આપતી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે જે અંગે અનેક માન્યતાઓ, ગેરસમજ લોકોમાં જોવા મળે છે ત્યારે લોકોને સાચી દિશા આપવાનું કામ શિક્ષણ વિભાગનું છે જેથી દરેક કોલેજના પ્રિન્સીપાલ, પ્રોફેસર કોલેજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે અને કોલેજના વિદ્યાર્થીઓ પોતે રસી મુકાવે તેમજ પરિવાર અને પોતાના શેરી મહોલ્લાના લોકોને રસીકરણ માટે જાગૃત કરે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી મોરબીની ૨૫ કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર દ્વારા ચલાવવામાં આવનાર જાગૃતતા અભિયાનનું મૂલ્યાંકન કરીને ૫ કોલેજની પસંદગી કરાશે તેમ પણ જણાવ્યું હતું.