મોરબી જિલ્લામાં ૦૭ પરીક્ષા કેન્દ્રોની ૨૮ બિલ્ડીંગમાં કુલ ૬૧૦૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આગામી તા.૧૫ મી જુલાઇ, ૨૦૨૧ થી રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) સામાન્ય– વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષાઓ માટેની તૈયારીઓ શિક્ષણ વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોંલકીએ જણાવ્યું હતું કે, આ પરીક્ષા સંબંધી આગોતરી તમામ પ્રકારની તૈયારીઓ અને આયોજન સરકારશ્રીની કોવિડ-૧૯ ની માર્ગદર્શિકા અને S.O.P. ને ધ્યાનમાં રાખીને કરાયેલ છે. ધો.૧૦ SSC ના ૦૫ પરીક્ષા કેન્દ્રો ફાળવેલ છે. જ્યારે ધો.૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના એક એક પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવેલ છે. હાલની કોવિડ-૧૯ ની પરિસ્થિતિ મુજબ S.O.P. ની ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવાની પરીક્ષાના સ્થળ સંચાલકો અને કર્મચારીઓને સૂચના અપાઇ છે. તેમજ વિદ્યાર્થીઓની હોલ ટિકીટમાં તમામ સૂચના વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા અપાયેલ છે.
વધુમાં જિલ્લા શિક્ષણાધિકારી સોંલકીના જણાવ્યા અનુસાર બોર્ડની આ પરીક્ષાઓમાં જિલ્લા ભરમાંથી ૬૧૦૩ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. જેમાં ધોરણ-૧૦ SSC માં જિલ્લામાં ૦૫ પરીક્ષા કેન્દ્રો ખાતે ૪૩૫૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને તે માટે ૨૧ પરીક્ષા બિલ્ડીંગોમાં ૧૮૦ બ્લોક નક્કી કરાયા છે. જ્યારે ધોરણ- ૧૨ HSC સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૧ પરીક્ષા કેન્દ્ર ખાતે ૧૫૨૭ પરીક્ષાર્થીઓ બેસશે જેના માટે ૦૫ બિલ્ડીંગમાં ૪૮ બ્લોક નક્કી કરાયા છે. તેવી જ રીતે ધોરણ- ૧૨ HSC વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૦૧ પરીક્ષા કેન્દ્ર ખાતે ૨૧૭ પરીક્ષાર્થીઓ બેસશે, જેના માટે ૦૨ બિલ્ડીંગમાં ૧૨ બ્લોક નક્કી કરાયા છે. બોર્ડની આ પરીક્ષાઓમાં તમામ બ્લોકમાં CCTV કેમેરાથી સજ્જ છે.
બોર્ડની પરીક્ષાઓ દરમિયાન ધોરણ-૧૦ માટે બી.એન.વિડજા અને ધોરણ-૧૨ માટે જે.યુ.મેરજા ઝોનલ અધિકારી તરીકે પોતાની કામગીરી કરશે. સમગ્ર પરીક્ષા દરમિયાન વર્ગ-૧ તથા વર્ગ-૨ ના અધિકારીઓ ઓર્બ્ઝવર તરીકે પણ ફરજ બજાવશે. પરીક્ષા અંગે વિદ્યાર્થીઓની મુંઝવણના ઉકેલ માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે ૦૨૮૨૨-૨૨૨૮૭૫ નંબર પર કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.