રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ અનિયમિત જોવા મળી રહ્યું છે.સિઝનમાં શરૂઆતમાં વરસાદ થયા બાદ ખેડૂતોએ વાવણી શરૂ કરી હતી.વાવણી બાદ પાક ઊગી નીકળતા તેને પિયતની જરૂર પડી હતી ત્યારે વરસાદ ખેંચાયો હતો જોકે છોડ નાના હોય અને વરસાદ વધુ સમય ન ખેંચાતા જમીનમાં ભેજ જળવાઈ રહ્યો હતો ત્યાં જુલાઈ મહિનાના બીજા સપ્તાહમાં વરસાદ પડ્યો હતો.10-12 દિવસ સુધી સમગ્ર જિલ્લામાં હળવા થી મધ્યમ પ્રકારનો વરસાદ થતાં પાકને નવજીવન મળ્યું હતું તો જળાશયમાં પણ નવા નીર આવ્યા હતા જોકે છેલ્લા એક મહિનાથી સમગ્ર જિલ્લામાં વરસાદનું એક ટીપું પડ્યું નથી અને પહેલા કરતા છોડ મોટા થઈ ગયા હોય અને જમીનમાંથી ભેજ પણ સાવ ઘટી જતા પાક બળવા લાગ્યો છે. જો વહેલી તકે ખેડૂતોને સિંચાઈનું પાણી નહિ મળે તો સમગ્ર પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ મોરબી માળીયાના જે જે ગામમાં કેનાલ પસાર થઈ રહી છે તે ગામના કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતો ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવા માગણી કરી રહ્યા છે.ત્યારે મોરબીના મચ્છુ 2 ડેમના કમાન્ડ એરીયામાં આવતા 14 ગામના ખેડૂતો પણ મચ્છુ ડેમમાંથી પાણી આપવાની માગણી કરી રહ્યા છે.મોરબી તાલુકા સરપંચ એસોશિએશનના હોદ્દેદારોએ અગાઉ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી બે દિવસમાં પાણી ન છોડાઈ તો ખેડૂતોનો પાક નિષફળ જશે આથી ગઈકાલે સાંજ સુધીમાં મચ્છુ કેનાલમાંથી પાણી છોડવાની માંગ કરી હતી. તંત્ર આ મુદ્દે યોગ્ય નિર્ણય ન લેતા આજે ખેડૂતોને સાથે રાખી મોરબી તાલુકાના સરપંચોએ નાયબ કાર્યપાલક ઈજનેર મચ્છુ-સિંચાઇ યોજનાની મોરબી ખાતે આવેલી ઓફીસ પાસે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે અને પાણી આપો તેમજ પાક બચાવોના બેનર સાથે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને મચ્છુ 2 ડેમમાંથી સિંચાઇનુ પાણી આપવા માગણી કરી હતી જોકે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા આજે મોરબીના મચ્છુ 2 ડેમમાંથી નીકળતી કેનાલના કમાન્ડ એરિયામાં આવતા ગામના ખેડૂતોએ આજે સિંચાઇ વિભાગની કચેરીમાં ઘરણા કર્યા હતા અને તેમના ખેતરમાં ઉભેલા પાકને પાણી આપી બચાવી લેવા માગણી કરી હતી.