મોરબી જિલ્લાના માળીયા (મીં) તાલુકાનાં રાસંગપર ગામ પાસે મચ્છુ નદી પર મચ્છુ – ૪ ડેમ બાંધવા અંગે ચાલતી કાર્યવાહીને વેગવંતી બનાવવા મોરબી – માળીયા (મી) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સિંચાઈ વિભાગમાં ફોલોઅપ કરતા હાલ મચ્છુ – ૪ ડેમમાં ડી.ટી.પી. મંજૂરીના સ્ટેજે અને ટૂંક સમયમાં ટેન્ડર બહાર પડશે. અગાઉ આ કામને તાંત્રીક મંજૂરી અપાવવા ધારાસભ્યને સફળતા મળી છે. આ સિંચાઈ યોજનાની રાસંગપર, વિરવદરકા અને નવાગામ સહિત ૨૦૦ હેક્ટર જેટલી જમીનોને ઉદવહન સિંચાઈનો લાભ મળશે. અંદાજે રૂ. ૪ કરોડ ૭ લાખના ખર્ચે આ મચ્છુ – ૪ ડેમ બાંધવામાં આવશે જેનો માળીયા (મીં) તાલુકાના આ ત્રણ ગામના ખેડૂતોને ઉદવહન દ્વારા સીંચાઈનો લાભ મળશે. વધુમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ નર્મદાની માળીયા (મી) બ્રાન્ચ કેનાલને તાકીદે સાફ કરવા પણ નર્મદા નિગમના મુખ્ય ઇજનેરને તાકીદ કરી છે. જે કામ પણ તાત્કાલિક હાથ ધરાશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે. આમ, મોરબી – માળીયા (મીં) વિસ્તારમાં ખેડૂતોને સીંચાઈનો લાભ મળે તે માટે ધારાસભ્ય સતત જહેમત ઉઠાવી રહ્યા છે. ચાલુ ચોમાસામાં પણ વરસાદ ખેંચાતા બે વખત નર્મદાની માળીયા (મીં) બ્રાન્ચ કેનાલમાં છેક છેવાડાના ગામો સુધી સીંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવામાં પણ સફળ પરિશ્રમ ઉઠાવેલ હતો.