વાંકાનેરના પ્રતાપપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી થયેલ 87 હજારની ચોરીના ગુન્હામા સંડોવાયેલ આરોપીને પોલીસે સીસીટીવીની મદદથી દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર શહેર વિસ્તારમાં પ્રતાપપરા શેરી નંબર-૧ માં આવેલ રહેણાંક મકાનમાંથી અજાણ્યો તસ્કર રોકડા રૂપીયા ૪૦૫૦૦/- તથા ચાંદી ની ચીજવસ્તુ કિ.રૂ.૪૬૭૦૦/- મળી કુલે રૂ.૮૭,૨૦૦/-ની ચોરી કરી લઇ ગયા અંગેની ફરીયાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. ફરિયાદને પગલે પોલીસ દ્વારા સતત તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. પોલીસ દ્વારા રહેણાંક મકાનની આજુબાજુ તેમજ જુદી-જુદી જગ્યાએ સી.સી.ટી.વી ફૂટેજ ચેક કરતા એક લાલ ટીશર્ટ વાળો ઇસમ શંકાસ્પદ હીલચાલ કરતો જોવા મળ્યો હતો. જે ઇસમ પર નજર રાખતા તે ઇસમ નવાપરા વાંકાનેર દેવીપુજકવાસમાં રહેતો નવઘણભાઈ ભલુભાઈ વિકાણી હોવાનુ જાણવા મળ્યું હતું.
આ અંગેની તપાસ દરમિયાન યુવાન નવાપરા સામે આવેલ હાઇવે રોડ ઉપરથી મળી આવ્યો હતો. જેને સાથે રાખી તેના ઘરની ઝડતી તપાસ કરતા ચાંદીની અલગ અલગ ચીજવસ્તુ તથા રોકડા રૂપિયા મળી આવ્યા હતા. જે બંધ મકાનમાંથી ચોરી કર્યાની કબુલાત આપતા ચોરીમાં ગયેલ રોકડા રકમ તથા ચાંદીની વસ્તુ કબજે કરી આરોપીની ધોરણસર અટક કરવામાં આવી હતી.
આ કાર્યવાહી દરમિયાન એ.એસ.આઈ એચ.ટી મઠીયા, પોલીસ હેડ કોન્સ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, પોલીસ કોન્સ દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા,કુષ્પરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળા સહિત વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ ફરજ પર હાજર રહ્યો હતો.