જામનગર પંથકમાં ખાબકેલા ભારે વરસાદથી ઠેર ઠેર તરાજીના દ્રષ્યો સર્જાયા છે ગ્રામ્ય પંથકમાં અનેક લોકો પૂરના પાણીમાં ફસાતા જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને પૂરના પાણીમાં ફસાયેલા લોકોના રેસ્કયુ માટે એન.ડી.આર.એફની ટીમ તેમજ એરફોર્સના હેલીકોપ્ટરથી એરલીફટીંગની મદદ પણ માંગવામાં આવી હોવાનું સતાવાર રીતે જાહેર થવા પામ્યું છે.
જામનગર જિલ્લામાં કાલાવડ, જામનગર ગ્રામ્ય અને જોડિયામાં 52થી વધુ લોકો ફસાયા હોય જેને બચાવવા માટે તંત્ર દ્વારા એરલીફટીંગની માંગ કરવામાં આવી છે. જેને પગલે કાલાવડ તાલુકાના બાંગા ગામે ફસાયેલા 20 લોકોને બચાવવા એરફોર્સ દ્વારા એરલીફટીંગ હાથ ધરી 6 લોકોને બચાવી લેવાયા છે.
કાલાવડ તાલુકાના બાંગા ગામે પૂરના પાણીમાં 20 લોકો ફસાયા હોવાના મામલતદારના અહેવાલના પગલે એરલીફટીંગની મદદથી રેસ્કયુ ઓપરેશન હેલીકોપ્ટર દ્વારા હાથ ધરાર્યુ હતું ત્યારબાદ જામનગર તાલુકાના મોડા ગામે 14 લોકો પાણીમાં ફસાયા છે. ધુળશીયા ગામે 8 લોકો પાણીમાં ફસાયા છે. આ ઉપરાંત શેખપાટ ગામે બે લોકો, અલીયા ગામે 8 લોકો ફસાયા છે. આમ કુલ 52 લોકો પૂરના પાણીમાં ફસાયા હોય જેને રેસ્કયુ ઓપરેશન માટે એરફોર્સના હેલીકોપ્ટરની મદદ માંગી હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.