મોરબી જિલ્લાની મોરબી તાલુકાની ૨૬-ત્રાજપર-૨ અને હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયતની પેટાચૂંટણીને ધ્યાને લઇ ચૂંટણી મતદાન વિસ્તારમાં આવેલ સરકારી, અર્ધસરકારી આરામગૃહો, ડાકબંગલાઓ, વિશ્રામગૃહો તથા સરકારી રહેણાંકનો તેની સાથે જોડાયેલ આંગણું, કમ્પાઉન્ડ સહિત કોઈ રાજકીય પક્ષના હોદેદારો, ચૂંટણી લડતા ઉમેદવારો તેમના ચૂંટણી એજન્ટોએ રાજકીય હેતુસર કે ચૂંટણી વિષયક કે ચૂંટણી પ્રચાર-પ્રસારના હેતુસર ઉપયોગ કરવા પર નિયંત્રણ મુકતું જાહેરનામુ મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા બહાર પડાયું છે.
જાહેરનામા અનુસાર પેટાચૂંટણી મતદાન વિસ્તારમાં આવેલ વિશ્રામગૃહ, અતિથિગૃહ ડાકબંગલાના સ્થળે રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગીક મીટીંગ પણ યોજવા ૫૨, આવા આવાસના કમ્પાઉન્ડમાં રાજકીય ચૂંટણી હેતુ માટે ઉપયોગમાં લેવાના વાહનો પાર્કીંગ કરવા પર, ચૂંટણી પ્રચાર હેતુ માટે આવતા કોઈપણ મહાનુભાવોને મતદાન પૂરું થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહ અતિથિગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવા પર પરંતુ જે રાજકીય પદાધિકારીઓને ઝેડ કક્ષાની કે રાજયના કાયદાની જોગવાઈ અનુસાર સમાન કે તેથી વધુ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવેલ હોય તેમને વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે સિવાય કે આવો રૂમ ચૂંટણી ફરજ પર નિમાયેલ અધિકારી/નિરિક્ષકને અગાઉથી ફાળવવામાં આવેલ ન હોય. પરંતુ આવી ઝેડ સ્કેલની સીકયુરીટી ધરાવતા વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહે તે દરમિયાન કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃતિ હાથ ધરી શકાશે નહીં.