વેક્સીનેશન મેગા ડ્રાઇવની કામગીરી રાત્રીના ૧૧ વાગ્યા સુધી ચલાવાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર મોરબી જિલ્લામાં વેક્સીનેશન મેગાડ્રાઇવ ચાલી રહી છે તેમાં બપોરે એક વાગ્યે ૭૫૨૩ વ્યક્તિઓએ પહેલો ડોઝ જ્યારે ૮૦૮૯ લોકોએ સમગ્ર મોરબી જિલ્લામાં એક જ દિવસમાં બીજો ડોઝ મેળવી લીધો હતો.
જોકે, સાંજે પાંચ વાગ્યાના રિપોર્ટ અનુસાર સમગ્ર મોરબી જિલ્લામાં ૧૩૭૫૭ લોકોએ પ્રથમ ડોઝ તેમજ ૧૩૦૦૭ લોકોએ પોતાનો બીજો ડોઝ લઇ લીધો હોવાનું જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી વિગતો મળી છે. આમ વેક્સીનેશનની મેગા ડ્રાઇવમાં સાંજે પાંચ વાગ્યા સુધી ૨૬૭૬૪ લોકોએ ભાગ લઇને જિલ્લા વહિવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગને સાથ સહકાર આપેલ છે. આ મેગા ડ્રાઇવ બે ભાગમાં ચાલી રહી છે જેમાં સવાર અને સાંજની બે પાળીમાં કર્મચારીઓને ડ્યુટી સોંપવામાં આવી છે. સમગ્ર કામગીરી રાત્રીના ૧૧ વાગ્યા સુધી ચાલવાની છે.
વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મદિને સમગ્ર ગુજરાત રાજ્યમાં રસીકરણનું મહાઅભિયાન ચલાવાઇ રહ્યું છે ત્યારે મોરબી જિલ્લો પણ આ કામગીરીમાં પોતાની શ્રેષ્ઠ કામગીરી થકી સમગ્ર રાજ્યમાં અવ્વલ નંબરે કામગીરી કરી રહ્યો છે જેમાં પ્રજાનો સાથ સહકાર મળી રહ્યો છે. સમગ્ર કામગીરીનું નિરિક્ષણ જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. કતીરા તેમજ પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તલાટીઓ આ ઉપરાંત સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ સમગ્ર કામગીરીમાં સાથ સહકાર આપી રહ્યા છે.