મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળીની ૨૫ મી વાર્ષિક સાધારણ સભા તાલુકા શાળા નંબર-૧, બુનિયાદી કન્યા શાળા ખાતે યોજાઈ ગઈ. સાધારણ સભાની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. સર્વધર્મ પ્રાર્થના બાદ સભાના અધ્યક્ષ તરીકે મંડળીના પ્રમુખ કલ્પેશભાઈ મહોતની વરણી કરવામાં આવી. સાધારણ સભામાં ઉપસ્થિત આર.ડી.સી.બેંક રાજકોટના ડિરેક્ટર અમૃતલાલ વિડજા, આર.ડી.સી.બેંક રાજકોટના ડિરેક્ટર દલસુખભાઈ વી. બોડા, મોરબી તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ બળવંતભાઈ કોટડિયા, આર.ડી.સી. બેંક મોરબીના ઝોનલ ઓફિસર ચેતનભાઈ ભૂત, આર.ડી.સી.બેંક મોરબીના મેનેજર અતુલભાઈ કાલરિયા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયા, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, કે.નિ.શિક્ષણ અશોકભાઈ વડાલિયા, બી.આર.સી. કો.ઓર્ડિનેટર શ્રી ચિરાગભાઈ આદ્રોજા, સંઘ અને મહાસંઘના જિલ્લા મંત્રી અને તાલુકાના પ્રમુખ, અધ્યક્ષ, મંત્રી તથા તમામ મંચસ્થ મહાનુભાવોનું કારોબારી સભ્ય કે.એન.માનસેતા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું કારોબારીના સભ્યો દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.
મંડળીના મંત્રી જયેશભાઈ બાવરવા દ્વારા ૨૫ મો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો. દિવંગત સભાસદોને યાદ કરી તેમને ચૂકવેલ સહાયની મંત્રી દ્વારા વિગત આપવામાં આવી. સમગ્ર વર્ષના લેખા જોખા રજૂ કરવામાં આવ્યા. મંડળીની એપ્લિકેશન ડાઉનલોડ કરવા બાબતે તેમજ સભાસદોને જુદી જુદી પાંચ પ્રકારની ભેટમાંથી પસંદ કરવાની વાતો કરી હતી.
મંડળીના ભૂતપૂર્વ પ્રમુખ નાનાલાલ આર. દેકાવડિયા, મનસુખભાઈ પી. ભોરણિયા તથા મંડળીના ભૂતપૂર્વ મંત્રી માવજીભાઈ એ. સંઘાણીનું મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.
આર.ડી.સી. બેંક રાજકોટના ડિરેક્ટર અમૃતલાલ વિડજા તથા દલસુખભાઈ વી. બોડા દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું. ધોરણ ૧૨ ના પ્રથમ ત્રણ તેજસ્વી તારલા સ્મિત આનંદભાઈ જોષી, કેયુર નરેશભાઈ સરડવા, ધ્રુવી વિક્રમભાઈ ડાંગરનું મહાનુભાવોના હસ્તે શિલ્ડ અને ટાઇટનવોચ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું.
મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ ડી. વડસોલાએ જણાવ્યું કે મંડળીએ રજતજયંતી મહોત્સવ પૂર્ણ કર્યો એમાં કેટલાય લોકોની મહેનત સમાયેલી છે. મંડળી એ શિક્ષકો માટે ભાઈ સમાન છે. શિક્ષકોને જરૂર હોય ત્યારે ચૌદ લાખનું ધિરાણ તાત્કાલિક મંજૂર કરીને શિક્ષકોને આપવામાં આવે છે. મંડળીની વ્યવસ્થાપક કમિટીના તમામ સભ્યોને સુંદર આયોજન વ્યવસ્થાપન બદલ ધન્યવાદ આપ્યા હતા. તથા ઘનશ્યામભાઈ દેથરિયા પ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષકના પ્રાસંગિક પ્રવચન બાદ ધોરણ ૧૦ ના પ્રથમ ત્રણ તેજસ્વી તારલા પ્રીત જયેશભાઈ બાવરવા, હિતેક્ષા રાજેશભાઈ બરાસરા, નંદ સનતકુમાર કોરડિયાનું મહાનુભાવોના હસ્તે શિલ્ડ અને ટાઇટન વોચ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું.
સાધારણ સભાના અધ્યક્ષ અને મંડળીના પ્રમુખ કલ્પેશભાઈ મહોતે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું કે એફ.ડી.ના વ્યાજમાં ૦.૫૦ ટકાનો ઘટાડો અને લોનના વ્યાજમાં ૦.૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ જાહેરાત સાંભળતાં જ તમામ સભાસદોએ આ ઠરાવને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. કારોબારી સભ્ય વિક્રમભાઈ ડાંગર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
સભાના અંતે રાષ્ટ્રગીતનું સમૂહગાન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કારોબારી સભ્ય વિજયભાઈ દલસાણિયા તથા સંજય બાપોદરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. મંડળીના ૨૫મા રજતજયંતી મહોત્સવને સફળ બનાવવા મંડળીના તમામ કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.