હળવદ તાલુકામાં તોકતે વાવાઝોડાએ વેરેલા વિનાશને પગલે કાળી મજૂરી કરતા મીઠાના અગરિયાઓને મોટાપાયે નુકસાન થયું હતું. જેને પગલે સરકાર દ્વારા સહાય જાહેર કરાઈ આ સહાયની રકમ ચુકવવાની માંગ સાથે સમસ્ત અગરીયા સમુદાય હળવદ તાલુકા દ્વારા મોરબી કલેક્ટરને આવેદન પત્ર આપવામા આવ્યુ હતું.
અગરિયા સમુદાયના અગ્રણીઓએ જણાવ્યું કે તોકતે વાવાઝોડાથી અગરિયા સમાજને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. જેથી સરકાર દ્વારા મીઠું પકવતા અગરિયાઓ માટે રાહત પેકેજની પણ જાહેરાત કરવામાં આવી હતી. એક એકર દિઠ 3 હજાર રૂપિયા એમ વધુને વધુ 10 એકર સુધી સહાય આપવા નિર્ણય લેવાયો હતો. જેના જિલ્લા ઉદ્યોગ કચેરી મારફતે ફોર્મ ભરી સર્વે હાથ ધરાયો હતો. જેના ફોર્મ પરત જમા કરાવવા છતાં સરકાર તરફથી હજુ સુધી કોઈ સહાયની રકમ જમા કરવામાં આવી નથી આથી તાત્કાલિક સહાય ચૂકવવા અંગે અગરિયાઓ દ્વારા માંગ કરાઈ હતી.
આ તકે સમસ્ત અગરીયા સમુદાય હળવદના પરમાર વિરમ ટિકર, સંતોષ પાટડિયા, સંજય ભાઇ, કમલેશ ભાઇ, ધર્મેન્દ્રભાઇ પટેલ, હસમુખભાઇ પટેલ સહિતના હાજર રહ્યા હતા. જેમા મોરબી કલેક્ટર જે.બી.પટેલ દ્વારા વહેલી તકે આ પ્રશ્ન ઉકેલવાની ખાતરી અપાઈ હતી.