મોરબીના પીપળી ગામની યુવતીના માણેકવાડા ગામે રહેતા યુવાન સાથે લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન સાસુ – સસરાએ પરિણીતાને નાની-નાની બાબતમાં મેણા-ટોણા સાથે શારીરિક ત્રાસ આપતા વર્ષ 2016માં પરણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ કેસ ચાલી જતા આજે અદાલતે આરોપી સાસુ અને સસરાને પાંચ વર્ષની કેદની સજા ફટકારી છે.
આ કેસની વિગત મુજબ , મોરબીના પીપળી ગામે માવતર ધરાવતા તૃપ્તિબેનના લગ્ન વર્ષ 2015માં માણેકવાડા ગામના ઉમેશકુમાર અરજણભાઈ ગોધવિયા સાથે થયા હતા. તૃપ્તિબેનનો ઘરસંસાર બરાબર ચાલતો હતો પરંતુ તૃપ્તિબેનના સાસુ લાભુબેન અને સસરા અરજણભાઈ લવજીભાઈ ગોધવિયા તૃપ્તિબેનને નાની-નાની બાબતમાં મેણાં-ટોણા મારવાની સાથે શારીરિક ત્રાસ પણ આપતા હોય સાસુ સસરાના કરતૂત અંગે તૃપ્તિબેને તેમના ભાઈ પ્રફુલભાઇ પ્રવીણભાઈ જગોદરા તથા તેમના પરિવારને સમગ્ર હકીકતથી વાકેફ કર્યા હતા. છતાં દુઃખ ત્રાસનો અંત ન આવતા અંતે તૃપ્તિબેને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ કેસ ચાલી જતા અદાલત દ્વારા વકીલની રજૂઆતો અને કેસની ગંભીરતાને ધ્યાને લઇ પરિણીતાને મરવા મજબૂર કરનાર માણેકવાડા ગામના વતની પતિ-પત્નીને પાંચ વર્ષની સજા ફટકારી છે.