મોરબીના વણકર વાસ વિસ્તારમાં આવેલ સાર્વજનિક પ્રાથમિક શાળાના આચાર્ય નાના ભૂલકાઓ પાસે વાસણ સાફ કરાવવા સહિતના કામ કરાવતા હોવાનો ફોટો સોશિયલ મીડિયામાં વહેતો થતા વાલીઓ ચૌકી ઉઠ્યા હતા. બીજી તરફ ‘મોરબી મીરર’ની ટીમે શાળાના આચાર્યનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે શાળામાં વિધાર્થીઓ દ્વારા જ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિધાર્થીઓએ પોતાની જાતે ખુશીથી કામ કર્યું હતું. પણ આ જવાબ ગળે ઉતરે તેવો ન હોવાથી તપાસની માંગ ઉઠી છે.
વિગત મુજબ મોરબી શહેરના સબ જેલ રોડ પર આવેલ વણકરવાસ વિસ્તારની સાર્વજનિક પ્રાથમિક શાળાના આચાર્ય અશોકભાઈએ શાળાના વિદ્યાર્થીઓ પાસે વાસણ સાફ કરવા જેવી મજૂરી કરવી હોવાનો ફોટો સોશિયલ મીડિયા મારફતે વહેતો થતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. શાળામાં ભણવા આવતા વિદ્યાર્થીઓ પાસે બાળ મજૂરી કરાવાઈ હોવાથી લોકો ચોંકી ઉઠ્યા હતા.
બીજી તરફ આ ગંભીર પ્રશ્નને લઈને મોરબી મીરરની ટિમ દ્વારા શાળાના આચાર્ય અશોકભાઈનો ટેલિફોનિક સંપર્ક કરતા વાતચીતમાં અશોકભાઈએ જણાવ્યું હતું કે, બાળ મંજૂરીનો આક્ષેપ પાયા વિહોણો છે. ખરેખર શાળામાં વિદ્યાર્થીઓ માટેનો જ કાર્યક્રમ હતો જે કાર્યક્રમ સંપન્ન થતા વિધાર્થીઓએ રાજીખુશીથી વાસણ સાફ કરવાનું કામ કર્યું હતું.
વાસણ સાફ કરવામાં નાના ભૂલકાની મદદ લેવાઈ હોવાનું ઇમેજમાં સ્પષ્ટ જણાતા આચર્યની વાત લોકોને ગળે ઉતરે તેમ નથી. આથી આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ આગળ આવી જરૂરી તપાસ કરાવવી જરૂરી બની હોવાની લોકોમાંથી માંગ ઉઠી છે.