હળવદ નજીક આવેલ કન્ટેનર યાર્ડને લીધે બેફામ દોડતા કન્ટેનરને કારણે યાર્ડ નજીકનો ઉખડબાખડ થયો છે જેને લઈને આજે ખેડૂતોએ હોબાળો મચાવી કન્ટેનર અટકાવી રસ્તો બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો.
વિગત મુજબ હળવદ નજીક આવેલ કન્ટેનર યાર્ડને કારણે દિવસ દરમિયાન આશરે 100 થી વધારે કન્ટેનરોની હડિયાપટ્ટી રહેતી હોય છે. આ બેફામ દોડતા કન્ટેનરના પાપે યાર્ડની નજીકના ખેડૂતોના રસ્તાઓ ઉખડબખડ બન્યા છે. આથી ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે બીજી તરફ ચોમાસામાં રાબડીરાજને કારને નાના મોટા અકસ્માતો બને છે. રસ્તા રીપેરીંગ બાબતે અનેક રજુઆત છતાં યાર્ડના જાડી ચામડીના અધિકારીઓ રજૂઆતને ગણકારતા ના હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. શકિતનગર શિવ કેરિયર કન્ટેનર પાકૅની દાદાગીરીથી રોષે ભરાયેલા ખેડૂતોએ આજે કન્ટેનર રોકી વિરોધ વ્યક્ત કર્યો હતો.
આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે છેલ્લા 4 વર્ષની આ રસ્તાની હાલત ભાંગર છે. રીપેરીંગ બાબતે શક્તિનગર કન્ટેનર યાર્ડના એમ.ડી.અવધેશ ચૌધરીને અનેક રજુઆત કરવા છતા ‘આ અમારામાં ન આવે’ તેવો ઉડાઉ જવાબ આપે છે. બે દિવસ અગાઉ રોડ રીપેરીંગ બાબતે અધિકારીઓ ખાતરી આપવા છતાં હજુ સુધી રસ્તો રીપેરીંગ થયો નથી. રસ્તા રીપેરીંગ બાબતે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ખેડૂતોએ ચીમકી ઊચ્ચારી હતી.