મોરબી શહેરમાં આજે સવારથી ધીમીધારે મેઘરાજાનું આગમન થયું છે. વીજળીના કડાકા- ભડાકા અને પવન સાથે વરસાદ વરસી રહ્યો છે
મેઘાવી માહોલ અને મેઘગર્જન સાથે મોરબી પંથકમાં સચરાચર વરસાદ વરસી રહ્યો છે આજે સવારથી શહેરના દરબારગઢ, જુનાં બસ સ્ટેન્ડ, નવા બસ સ્ટેન્ડ, શનાળા, સાંમાંકાંઠા, રવાપર રોડ, રવાપર, મહેન્દ્રનગર ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસ્યું છે.મોરબી જીલ્લામાં સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મોરબી શહેરમાં ૬ મિમી, હળવદ પંથકમાં ૩૭એમએમ અને માળિયા ૨ મિમી વરસાદ તંત્રના ચોપડે નોંધાયો છે.
આ ઉપરાંત હળવદ શહેર ગ્રામ્ય વિસ્તારોમાં વિરામ બાદ આજે ફરી મેઘાવી માહોલ જામ્યો છે. ભારે પવન સાથે વરસાદથી અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. હળવદ શહેર સહિત આસપાસના ગામોમાં ભારે વરસાદથી ખેડૂતોને ભારે નુક્સાનની ભિતી સેવાઇ રહી છે. મગફળી,અડદ અને મકાઈ સહિતના પાકમાં વધુ પડતાં વરસાદના કારણે ઇયળો અને સડો બેસી જવાની ભીતિથી ખેડૂતોના મો માં આવેલો કોળીયો છીનવાઈ જવાની દહેશત વર્તાઈ રહી છે.