મોરબી તાલુકાના આમરણ ગામમાં કારીયાણાના વેપારીએ ઉધારમા માલ આપવાની ના પાડતા બે લુખ્ખાઓએ વેપારી દંપતિને માર મારી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત અનુસાર મોરબી તાલુકાના જુના આમરણ ગામે કરિયાણાની દુકાન ચલાવી પોતાનું ગુજરાત ચલાવતા અમિતભાઇ ભુપતભાઇ સોમૈયા (ઉં.વ.૩૯) પોતાની દુકાને વેપાર કરી રહ્યા હતા તે દરમિયાન રાજ ડાંગર અને પરેશ દિલીપભાઇ કાસુન્દ્રા (રહે. બેલા-આમરણ) નામના બે શખ્સો રાત્રીના સમયે દુકાને આવ્યા હતા અને બાકીમાં કરિયાણું આપવાની માંગ કરી હતી જેની વેપારીએ મનાઈ ફરમાવી દેતા આ બાબતે બોલાચાલી કરી વેપારી અમિતભાઈ પર ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. તે વેળાએ અમિતભાઈના પત્ની બચાવવા વચ્ચે પડતા બન્ને લુખ્ખાઓએ મહિલાને પણ માથાના ભાગે ધોકો પટકારતા તેઓને પણ ઇજા થવા પામી હતી આ ઉપરાંત લુખ્ખાઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતા અમિતભાઇએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.