મોરબી લૂંટ પ્રયાસના બનાવમાં ઘટનાની ૨૪ કલાકમાં જ પોલીસ આરોપીઓ સુધી પહોંચી ચુકી હતી પણ…વાંચો સમગ્ર મિસ્ટ્રી
મોરબીમાં ગત તા.૨૮ સપ્ટેમ્બર ના રોજ ભર બપોરે વસંતભાઈ બાવરવા નામના આંગડીયા પેઢીના કર્મચારી પર હુમલો કરી પીસ્ટલ બતાવી રોકડ રકમ લૂંટવાનો પ્રયાસ બે ઈસમો દ્વારા કરવામાં આવ્યો હતો આ ઘટના આજુબાજુના લોકોએ મોબાઈલમાં કંડારી હતી જે વાયરલ થતાં મોરબીની ખમીરવંતી પ્રજાની જ બદનામી થતી નજરે પડી હતી જો કે આ બધી વાતોથી પર પોલીસે તુરંત જ આરોપીઓના સગડ મેળવવા કવાયત હાથ ધરી દીધી હતી જેમાં ઘટનાની ચાર કલાક એટલે કે બપોરના ચાર વાગ્યે જ મોરબી પોલીસની ટીમને આરોપીઓ કોણ છે અને ક્યાંથી આવ્યા ક્યાં જાય છે તેની ગંધ આવી ગઈ હતી.
સોશ્યલ મીડિયામાં પોલીસ પર આક્ષેપ પ્રતિ આક્ષેપના મારા સમયે પોલીસ આરોપીની નજીક હતી.
આ ઘટના વિડીયો વાયરલ થતાં જ વાયુવેગે બધે પ્રસરી ગયો હતો અને લોકો પોત પોતાના મત મતાંતર પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી રજૂ કરવા માંડ્યા હતા આ બધાની વચ્ચે તમામ અફવાઓ અને આલોચનાને નજર અંદાજ કરી મોરબી પોલીસની ટિમ આરોપીઓના એક કદમ પાછળ હતી પણ વાત તેને પકડવાની હતી કેમ કે મોરબીમાં પણ આ આરોપીઓના ખબરી હોવાની પુરી શક્યતાઓ હતી અને પોલીસને તેને કરેલી મહેનત પાણીમાં જાય તે પોસાય તેમ જરાય નહોતું આથી પોલીસે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો અને મોડી રાત્રીના ગુપ્ત બેઠક યોજી જેમાં એક બીજા અધિકારીઓને તેની જવાબદારી એસપી સુબોધ ઓડેદરા ડીવાયએસપી રાધિકા ભારાઈ એલસીબી પીઆઇ વી બી જાડેજા એસઓજી પીઆઇ જે એમ આલ સહિતની ટીમોએ આપી કામે લાગી જવા સૂચના આપી આ મેગા મિટિંગ માં ક્યાં અધિકારીઓને એસપીએ શુ જવાબદારી આપી એ જે તે અધિકારી જ જાણતા હતા કેમ કે આ ઓપરેશન સફળ બનાવવું અનિવાર્ય હતું જેથી પોલીસ સજાગ રહી આરોપીઓના શકમંદ મળતીયાઓ પર પણ નજર રાખી રહી હતી જેથી આરોપીઓને ભણક ન લાગે કે પોલીસ તેના પાછળ જ છે.
પોલીસ દ્વારા જાણી જોઈને આરોપીઓ પોલીસ પકડથી દૂર છે તેવો ઢોંગ કરી આરોપીઓને અંધારામાં રાખી ઓપરેશન પાર પાડવામાં આવ્યું.
મોરબી પોલીસે જાણી જોઈને આરોપીઓ નાસી છૂટ્યા છે એવું જણાવી અને આરોપીઓને ગુમરાહ કર્યા હતા આ સમાચાર સાંભળી આરોપીઓ સેફ હોવાની ગફલતમાં રહે તે માટે પોલીસે તમામ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને પ્લાન મુજબ આરોપીઓ સમજી ગયા હતા કે હવે તેઓ સુધી પોલીસ પહોંચી નહિ શકે આથી એક આરોપી શક્તિ એ દિલ્હી હરિદ્વાર જઈ પોતાના પિતૃનું શ્રાદ્ધ વિધિ કરવાનું નક્કી કર્યું પણ તેને નહોતી ખબર કેં પિતૃ તો તેની પાછળ હવાની જેમ આવી રહ્યા છે.
શ્રાદ્ધ મહિનામાં પિતૃ તર્પણ માટે હરિદ્વાર ગયા પોલીસ પણ પાછળ પાછળ જ ગઈ
આ બાદ આરોપીઓ હરિદ્વાર જવા નીકળી ગયા હતા અને પોલીસ પણ તેની પાછળ હરિદ્વાર જવા નીકળી ગઈ હતી આ વાત દિલ્હી પોલીસને કરતા પોલીસે બન્ને ને પકડી મોરબી પોલીસને સોંપવાના હતા પરંતુ ખાતાકીય કારણો સર શક્ય ન બનતા આરોપીઓ પાસેથી હથિયાર મળી આવતા દિલ્હી પોલીસે જ ત્યાં ગુનો નોંધતા પોલીસની ટીમને રોકાવું પડ્યું છે.
દિલ્હી પોલીસને બગાસું ખાતા પતાસું મળી ગયું :મોરબી પોલીસ મદદ માંગી હતી તો પોલીસે મદદના બદલે રોકાણ આપ્યું.
દિલ્હી પોલીસને આ બગાસું ખાતા પતાસું મળી ગયું કેમ કે આ આરોપીઓ સંદીપ અને શક્તિ આવે છે જેની પાસે હથિયાર છે એવી માહિતી મોરબી પોલીસે દિલ્હી પોલીસને આપી હતી જેથી પોલીસે આરોપીઓને અટક કર્યા પણ મોરબી પોલીસની ટીમને ન સોંપ્યા અને આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી દીધો હતો જેથી આરોપીઓ હવે કોર્ટમાં રજૂ કર્યા બાદ કબ્જો મેળવવા માટેની વિધિવત કામગીરી હાથ ધરશે અને બાદમાં બન્ને આરોપીઓને મોરબી લાવવામાં આવશે અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.
મોરબી પોલીસ દૂધ નું દૂધ અને પાણીનું પાણી કરશે ,પોલીસ લોકોના રક્ષણ માટે જ છે જો આરોપીઓ પકડવાની જાહેરાત કરીએ તો આરોપી પકડાય જ નહીં : એસપી સુબોધ ઓડેદરા
મોરબી એસપી સુબોધ ઓડેદરાએ મોરબી મિરર સાથેની ખાસ વાતચીતમાં પૂછવામાં આવ્યું હતું કે સોશ્યલ મીડિયામાં થયેલી ટિપ્પણી મામલે પોલીસે કેમ મૌન સેવ્યું ? જેમાં એસપીએ જણાવ્યું હતું કે ટીકા ટિપ્પણી કરતા આરોપીઓ પકડાય એ અતિ મહત્વનું છે અને પોલીસ આવા કોઈ સોશ્યલ મીડિયાના મેસેજ જોવા તો શું જમવા પણ નવરી ન હતી જુદી જુદી ટિમો જુદી જુદી રીતે કામ કરી રહી હતી આવા સમયે જવાબ આપવા કરતા આરોપીઓ ને પકડવામાં સમય બગાડવો જરૂરી છે જો આરોપીઓ દૂર નીકળી જાય તો વિષય બગડે તેમ હતો વાત રહી ટીકા ટીપ્પણીની તો પોલીસ પોતાની પદ્ધતિથી કામગીરી કરતી હોય છે જેનાથી સામન્ય નાગરિક અલિપ્ત હોય છે અને આ કામગીરી થી ઉચ્ચ અધિકારીઓ સારી રીતે પરિચિત હતા જેથી અન્ય કોઈ ને પ્રત્યુતર આપી સમય બગાડવાનો કોઈ મતલબ ન હતો આથી મોરબી પોલીસે એકાગ્ર રીતે એક જ ધ્યેયથી કામ કરી આરોપીઓ કેમ જલ્દી મોરબી આવે અને રહસ્યો પરથી પડદો ઉચકાય તે મહત્વનું હતું.જો કે હવે આ વાત દૂર નથી બે દિવસમાં બન્ને આરોપીઓ મોરબી પોલીસના કબ્જામાં હશે અને દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે અને જે કોઈ આવા અન્ય ગંભીર ગુનાઓ આચરશે તેના વિરુદ્ધ પણ મોરબી પોલીસ આગામી સમયમાં આક્રમક વલણ વાપરશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
મોટા રહસ્યો ઉકેલાય તેવી પ્રબળ શક્યતાઓ
આ ચકચારી લૂંટના પ્રયાસના આરોપીઓ મોરબી પોલિસના કબ્જામાં આવ્યા બાદ અનેક રહસ્યો ખુલે તેમ છે એટલું જનહી આરોપીઓએ અન્ય જગ્યાએ પણ આવા ગંભીર ગુનાઓ આચર્યા હોવાની પ્રબળ આશંકા છે ત્યારે મોરબીની પ્રજાને આરોપીઓને ટીપ કોણે આપી હતી? કઈ રીતે તેઓ આ ઘટનાને અંજામ આપવામાં સફળ રહ્યા અનેક આવા સવાલોના જવાબ મળી જશે હાલ મોરબી પોલીસે આરોપીઓ જલ્દી પોલીસના કબ્જામાં આવે અને મોરબી લઈ તપાસ શરૂ કરવામાં આવે તેમાં મથી રહી છે ત્યારે મોરબી પોલીસની આ કામગીરીથી ઠેર ઠેરથી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે સાથે જ રેન્જ આઇજી સંદીપ સિંઘ તેમજ રાજયના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા અને ગૃહ વિભાગ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ મોરબી પોલીસને શુભેચ્છાઓ પાઠવવમાં આવી છે