મોરબીના ભક્તિનગર સર્કલ પાસે કાર ઉપર ધડાધડ ફાયરીંગ કરી મમુ દાઢીની હત્યા નિપજાવવામા આવી હતી. આ ગુન્હાની તપાસ દરમિયાન આ ગુનો ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ હોવાનું પોલીસ અધિકારીને ધ્યાને આવતા હત્યામાં સંડોવાયેલી આરીફ મિરની ગેંગ સામે હત્યાની કલમ સાથે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામી ગાળિયો કસાયો હતો જેમા અગિયાર આરોપીઓની ધરપકડ કરાયા બાદ આજે વધુ બે આરોપીને પોલીસે પકડી લીધા છે.
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ગત તા. ૭ ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં હનીફ ઉર્ફે મમુદાઢી કાસમાણીની કાર ઉપર ફાયરિંગ કરી તેનું મોત નિપજાવવામાં આવ્યું હતું. આ ઘટનામાં બે વ્યક્તિઓને ઇજા થઇ હતી. જેમાં તેર શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી અને અત્યાર સુધીમાં હત્યાના આ ચકચારી ગુનામાં અગિયાર આરોપીઓને પોલીસે પકડી લીધા છે. આ તપાસ દરમ્યાન આરોપીઓએ સંગઠીત ગુન્હા ટોળકી બનાવી આ ગુન્હો આચરેલ હોવાથી આ ટોળકીનો મુખ્ય સુત્રધાર આરીફ ગુલામભાઇ ધોળા છે. આ આરીફ મીર તથા તેના સાગરીતોએ મળી મોરબી શહેરમાંખુન, ખુનની કોશિષ, લુંટ, રાયોટીંગ, સરકારી નોકર પર હુમલો, ધાકધમકી, જમીન પચાવી પાડવા અર્થે ખોટા દસ્તાવેજો બનાવવા, ખંડણી વિગેરે ગુન્હાઓ આચરેલ હોવાનું ઉપરાંત દસેક વર્ષમાં દહેશતનું વાતાવરણ ઉભુ કરેલ હોય જેથી આ સંગઠીત ગેંગ તથા તેના સાગરીત વિરૂધ્ધ ગુજસીટોક કાયદાની કલમનો ઉમેરો કરી કાર્યવાહી કરવામાં આવી હતી.
તેવામાં આજે તપાસ દરમીયાન ફાઇરિંગ અને હત્યાના ગુન્હામાં વધુ ૨ શખ્સો રીયાજ ઇકબાલ જુણાંચ રહે. મોરબી, કાલીકા પ્લોટ, મુસ્તુફા ઉર્ફે મુસ્તુ દાઉદભાઇ દાવલીયા રહે. મોરબી વાળાની ગુજસીટોકના કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગનો મુખ્ય સુત્રધાર આરીફ મીર હોય તેના વતી તેમજ આ ગેંગના સભ્ય તરીકે ભુતકાળમાં ખુનની કોશીષ, રાયોટીંગ જેવા અલગ અલગ ગુન્હાઓ અચરેલ હોવાનું જાણવા મળતા પોલીસે આગળની કાર્યવાહી આદરી છે. ઉલ્લેખનીય છે કે આ ગુન્હાની તપાસ ડીવાયએસપી રાધિકા ભારાઇ ચલાવી રહ્યાં છે.