મોરબીના શનાળાથી વાવડી જતા સિંગલ પટ્ટી રોડ પરની ઘટના : સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈરાત્રી સમયે કોઈ વાહન ઊભું ન રાખતા બાઈક ચાલક પર પથ્થરનો છૂટો ઘા કરનાર યુવકને 4 શખ્સોએ ઢોર માર માર્યો હતો. મોરબીના શનાળાથી વાવડી જતા સિંગલ પટ્ટી રોડ પર આ ઘટના બની હતી. જે અંગે સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશને સામસામે ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ મૂળ જામનગરના મોટી બાણુગરના રહેવાસી અને હાલ ટંકારાના નસીતપર ગામ પાસે શ્રીનીલકંઠ
ઇન્ટીરીયલ્સ કારખાનામાં રહેતા ચીરાગ ધનજીભાઇ ભેસદડીયા (ઉ.વ.૨૩)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તા.૪ને સોમવારના રોજ મારા ભાઈની દીકરીનો જન્મદિવસ હોવાથી હું સાંજે પોણા આઠેક વાગ્યા આસપાસ મારા ગામ મારા ઘરે બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે શનાળા ગામથી વાવડી ગામ તરફ જતા સીંગલ પટ્ટી રોડ ઉપર કોઇ અજાણ્યા શખ્સે બાઇક ઊભું રાખવા હાથ ઊંચો કર્યો હતો મેં બાઈક ન અટકાવતા તેણે છુટા પથ્થરનો ઘા કરતા હું બાઈક પરથી રોડ પર પટકાયો હતો, જેથી કપાળમાં ડાબી બાજુ, ડાબા ગાલ ઉપર, દાઢીના ભાગે, ખંભાના ભાગે, બંને હાથની હથેળી તેમજ ડાબા પગના ઢીંચણના ભાગે છોલાઇ જતા ઇજા પહોંચી હતી.
જ્યારે સામાં પક્ષે શૈલેષભાઇ બચુભાઇ બાબરીયા(ઉ.વ.૩૫)એ ફરિયાદ નોંધાવી છે કે, હું હાલ વાવડી ખાતે કેનાલની બાજુમાં ઝુપડામાં રહું છું મૂળ મારુ વતન માળીયામિયાણાનું કુંતાસી ગામ છે. સોમવારે સાંજે હું શનાળાથી વાવડી જતા સિંગલ પટ્ટી રોડ પર વાહનની રાહ જોઈ ઊભો હતો ત્યારે લાંબા સમય સુધી કોઈએ વાહન ઊભું રાખ્યું નહોતું. જેથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને બીવડાવવા હાથમાં પથ્થર લઇ વાહન ઊભું રખાવવા પ્રયત્ન કરતો હતો ત્યારે જ એક બાઈક ચાલક ત્યાંથી નીકળો, મારા હાથમાં પથ્થર જોઈ એ ડરી ગયો અને પોતાની મેળે જ બાઈક પરથી પડી ગયો હતો. આ ઘટના બાદ બાઈક ચાલકે કોઈ જીતુભાઈ નામના વ્યક્તિને ફોન કરી બોલાવ્યા હતા અને અન્ય એક બાઈક પર બે શખ્સ આવ્યા હતા. આ ચારેય શખ્સોએ આવી મને ઢોર માર મારતા મારી છાતીમાં ડાબા પડખામાં તથા ડાબા પગમાં ફ્રેકચર જેવી ઇજા થઇ છે.
બનાવ બાદ બન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.