ટંકારા પોલીસને બગાસુ ખાતા પતાસું મળ્યું : મારમારીમાં ફરિયાદ થતાં આરોપીઓ પાસેથી આરીફ મીરના હથિયાર મળી આવ્યા !
ટંકારા છાપરી નજીક સવારે માથાકૂટ થતા ફરિયાદના આધારે પોલીસે આરોપીઓના ઘરમાં સર્ચ કરતાં તેઓના પિતા આદમ ઉર્ફે આદું સંધીને પકડી પાડ્યો : બે પીસ્ટલ,૮૦ કાર્તિસ,ત્રણ મેગેઝીન અને એક ટેલિસ્કોપ કબ્જે કર્યા
ટંકારા પોલીસને થોડા દિવસ પહેલાં છાપરી નજીક થયેલ તકરારનો ખાર રાખી આજે સવારે ક્રુઝર ચાલકને બે ભાઈએ ભેગા થઈને માર માર્યો હતો જેમાં ટંકારા પોલીસે ગુનો નોંધી નાસી છુટેલા આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે આરોપીઓના ઘરના તપાસ કરતાં પોલીસને બે ગેરકાયદે પીસ્ટલ મળી આવી હતી જેમાં આદમ ઉર્ફે આદુ ઈસાભાઈ અબ્રાણી જાતે સંધી ઉ.વ.૪૮ રહે.ટંકારા વાળા મળી આવ્યા હતા આ ઘટનામાં ટંકારા પોલીસને બગાસું ખાતા પતાસું મળી ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે.
બનાવ અંગે મળતી વિગતો મુજબ રાજકોટ મોરબી રોડ પર પેસેન્જર લઈ ક્રુઝર ચાલક કાસમ ઈસમાઈલ સંધી ઉ. વ ૫૪ રહે તિલક નગર ટંકારાએ ગઈકાલે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૪ ઓક્ટોબર ના રોજ સવારે નવેક વાગ્યાના અરસામાં ખીજડીયા ચોકડી નજીક તે જીજે ૩ ઝેડ ૯૫૪૩ ક્રુઝર લઈ ને ઉભો હતો ત્યારે ઘરમાંથી હથિયાર સાથે પકડાયેલા આદમ ઈસા અબ્રાણી ના બન્ને પુત્રો અવેશ આદમ અબ્રાણી અને રાજીલ આદમ અબ્રાણી રહે બન્ને ટંકારા સરકારી હોસ્પિટલ સામે આવી ગયા હતા અને કુઝર અહી નહી રાખવી કહી માર માર્યો હતો જેમાં અગાઉ ફરિયાદીના પુત્રે આરોપીના પિતા આદમ ઈસાભાઈ અબ્રાણી સાથે માથાકૂટ કરી હતી જેનો ખાર રાખી ઢીકાપાટુ અને લાકડી વડે પીઠના ભાગે તથા પગે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેમાં ઇજાગ્રસ્ત કાસમ સંધીને પ્રથમ સરકારી હોસ્પિટલ ટંકારા ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જેમાં ભોગબનનારે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓના ઘરની તપાસ કરી હતી.
જો કે આ સમયે આરોપીઓની ઘરની ઝડતી લેતી વખતે ટંકારા પોલીસની ટીમને બગાસું ખાતા પતાસું મળી ગયું હોય તેવો ઘાટ સર્જાયો હતો જેમાં ઘરમાં તપાસ કરતા બે પીસ્ટલ કિંમત રૂપિયા ૨૦૦૦૦/-, જીવતા કાર્ટુસ ૮૦ નંગ કિંમત ૮૦૦૦/- તથા હથિયાર પર લગાવવામાં આવતું ટેલિસ્કોપ કિંમત રૂ.૨૦૦૦/- ,ખાલી મેગેઝીન નંગ ૦૩ મળી કુલ રૂપિયા ૩૦૦૦૦/- ના મુદામાલ સાથે મારામારીના આરોપીઓના પિતા આદમ ઉર્ફે આદુ ઈસા અબ્રાણી ઉ.વ.૪૮ રહે.ટંકારા સિવિલ હોસ્પિટલ સામે વાળાની ધરપકડ કરી હતી આ હથિયાર વિશે પૂછતાં આરોપી આદમ સંધી ઉર્ફે આદુ પોપટ બની ગયો હતો અને આ હથિયાર મોરબીના ચકચારી હત્યા કેસ હનીફ ઉર્ફે મમુ દાઢી કાસમાણીમાં સંડોવણી ધરાવતા આરીફ ગુલામ મીર રહે. કાલિકા પ્લોટ મોરબી અને આરીફ સાથે આવેલો અન્ય એક અજાણ્યો ઈસમ આપી ગયા હોવાની ચોંકાવનારી કબૂલાત આપી હતી જો કે ટંકારા પોલીસને આજદિન સુધી આ હથિયાર આદમ સંધી પાસે છે તેની માહિતી કેમ ન મળી એ પણ મોટો પ્રશ્ન છે ટંકારા પંથકમાં આવા અનેક રહસ્યો હાલ દબાયેલા છે સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર મોરબીના કુખ્યાત મમુદાઢીની હત્યાનું ષડયંત્ર ટંકારા પંથકમાં જ રચાયું હતું અને તમામ આરોપીઓએ મિટિંગ કરી શરાબ સબાબ અને કબાબની મિજબાની માણી હતી ત્યારે ખોબા જેટલો વિસ્તાર ધરાવતા ટંકારામાં આટલા ગંભીર પ્રશ્નો પર કેમ પોલીસનું ધ્યાન ન પડ્યું એ મોટો પ્રશ્ન છે હાલ તો તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક નો ગુનો નોંધી મોરબી એસપી સુબોધ ઓડેદરાએ આરોપીઓને નેસો નાબૂદ કરવા કમર કસી છે ત્યારે સ્થાનિક પોલીસ જો થોડી કાળજી રાખે તો આવા અનેક ગુનાઓની શરૂઆત પહેલા જ ટંકારા પંથકમાં જ ડામી દેવાય તેમ છે.હાલ ટંકારા પોલીસને બગાસું ખાતા પતાસું મળી જતા મોટી સફળતા મળી હોય તેવું માનવામાં આવી રહ્યું છે પરંતુ મોરબી ક્રાઈમ બ્રાન્ચ પણ આ આદમ ઉર્ફે આદુ સુધી પહોંચી ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે પરંતુ એ ટિમ કાર્યવાહી કરે એ પહેલાં જ સ્થાનિક પોલીસે પોતાનો જોશ બતાવી મોટું તીર માર્યું હોય તેવો ઘાટ ઘડવામાં આવી રહ્યો છે હાલ પોલીસે આરોપી આદમ સંધી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.