દિવાળીના તહેવારના આગમનને પગલે મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી સુપ્રિમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવેલ છે.આ સિવાયના તમામ ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ હોય તેમજ હવાનુ પ્રદૂષણ અને ઘન કચરો પેદા કરતા બાંધેલા ફટાકડા પર પ્રતિબંધ મુકવામા આવેલ છે તેને ફોડવાની મનાઈ કરાઇ છે.
જાહેરનામાંમા સ્પષ્ટ સૂચના આપી ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ ધ્વારા કરવાનુ અને પરવાનગી આપવામાં આવેલ ફટાકડાઓનું જ વેચાણ કરવા ઉપરાંત તમામ ઈ – કોમર્સ વેબસાઈટને ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકેલ છે. ફટાકડા બનાવવા માટે બેરીયમનાં ઉપયોગ પર પ્રતિબંધ મુકેલ હોઈ તેનો ઉપયોગ ન કરવા સૂચના અપાઈ છે. દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા રાત્રે ૮.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધી જ ફોડી શકાશે. નુતન વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા ૧૨:૩૦ કલાક સુધી ફોડી શકાશે. હાનિકારક ધ્વની પ્રદુષણ રોકવા માટે માત્ર (PESO) દ્વારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ધ્વનિ સ્તર વાળા જ ફટાકડા વેચવા વાપરવા અને જાહેરનામામાં જણાવ્યું છે.
હોસ્પિટલ, નર્સિંગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોનો વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણી પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. વધુમાં સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ તુકકલ / આતશબાજી બલુન)નું ઉત્પાદન તથા વેચાણ કે ઉડાવવાની પણ મનાઈ ફરમાવાઈ છે. સમગ્ર મોરબી જિલ્લા વિસ્તારના જાહેર રસ્તા / રોડ તથા ફુટપાથ ઉપર દારૂખાનુ, ફટાકડા, બોમ્બ, રોકેટ, હવાઈ તથા અન્ય ફટાકડા કે જેનો સમાવેશ દારૂખાનામાં થતો હોય તેવા ફટાકડા કે આતશબાજી કરી શકાશે નહીં. તેમ જાહેરનામામાં જણાવાયું છે.