ફટાકડા વગર દિવાળીની ઉજવણી ફિક્કી ગણવામાં આવે છે પરંતુ ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવામાં ન આવે તો બેદરકારીનું ગંભીર પરિણામ ભોગવવું પડે છે. તેવામાં બાળકોના માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે જેમાં સુરતના ડિંડોલી વિસ્તારમાં એક પરિવારના બાળક માટે તેના પિતા ફટાકડા લઇ આવ્યા હતા. આ પૉપ પૉપ ફટાકડા ફેંકવાને બદલે બાળક ગળી જતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
દિવાળીના તહેવારને પગલે સુરતના ડિંડોલી વિસ્તારમાં મૂળ બિહારના અને સુધારી કામ પરિવારનું ગુજરાન ચલાવતા રાજ શર્મા તેના બાળક માટે ફટાકડા લઇ આવ્યા હતા. 3 વર્ષના પુત્ર શૌર્ય માટે તેના પિતા ફેંકીને ફુટતા પૉપ પૉપ ફટાકડા લાવ્યા અને ઘરે મૂક્યા હતા. ત્રણ વર્ષના બાળકે અણસમજને કારણે પોપ-પોપને ફેંકવાને બદલે ગળી જતા પરિવારમાં દેકારા બોલી ગયો હતો. ત્યારબાદ બાળક બીમાર પડ્યું હતુ અને તેના માટે દવા લીધા બાદ પણ તબિયતમાં સુધારો આવ્યો ન હતો. આથી સ્થાનિક BHMS ડોક્ટરે બોટલ ચઢાવી, તેમ છતા બાળકની તબિયત વધુ બગડી હતી. જોકે 24 કલાક બીમાર રહ્યા બાદ બાળકને ઝાડા-ઊલટી થતા પોપ-પોપ ફટાકડા નીકળ્યા હતા. જેથી તાત્કાલિક બાળકની માતા અંજલીએ બાળકને લઇને તેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવાયું હતું, જ્યાં ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું હતું.
ચોંકાવનારી આ ઘટના બાદ સુરત સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ તમામ વાલીઓને દિવાળીના ફટાકડા ફોડતા સમયે જાગ્રૃત રહેવા માટે અપીલ કરી હતી. ડોકટરોએ જણાવ્યું કે જો તમે તમારા બાળકને કોઈપણ ફટાકડા લઇ આપો છો તો તમે સાથે રહીને ફોડવા આપો. ફટાકડાને એવી જગ્યાએ રાખો જ્યાંથી બાળકો જાતે લઇ ના શકે. બાળકોને ખિસ્સામાં ફટાકડા રાખવા ન આપશો. બાળકોને મોટા ફટાકડા ન અપાવવા. નાના ભૂલકાઓથી તમામ પ્રકારના ફટાકડા દૂર રાખવા જણાવ્યું હતું.