મોરબી જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં રાજકોટ મોરબી રોડ પર અકસ્માતે કાર પલ્ટી ખાઈ જતા ચાલકનું મોત અને બીડી લઈ પરત ફરી રહેલા શ્રમિકનું ટ્રેન અડફેટે મૃત્યુ તથા યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોત નિપજ્યાના બનવો પ્રકાશમાં આવ્યા છે.
અપમૃત્યુના કેસની જાણવા મળતી વિગત અનુસાર મોરબી-રાજકોટ સ્ટેટ હાઇવે ઉપર છત્તર ગામ નજીક શિવમ કોલ્ડસ્ટોરેજ પાસે હુન્ડાઇ કંપનીની એક્સએન્ટ કાર ર.જી. નં MH-12-NX-4629ના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ગોળાઇ ઉપર ગાડી ગુલાંટ મારી ગઈ હતી. અકસ્માતે કાર પલ્ટી મારી જતા કાર ચાલક રાજેશભાઇ નારણજીભાઇ ઠક્કર (ઉ.વ.૫૩) રહે. મીઠી રોહર વૃદાવન ચોક ઠાકોર મંદિર પાસે તા.ગાંધીધામવાળાને માથાના પાછળના ભાગે તેમજ ડાબા પગે ગંભીર ઇજા થવા પામી હતી જેમાં તેનું મોત નિપજ્યાનું ટંકારા પોલીસ મથકમાં જાહેર થવા પામ્યું છે.
વધુ એક બનાવમાં મોરબીના નવલખી ફાટકથી આગળ યોગી ચેમ્બર સામે આવેલ રેલ્વેના પાટા ક્રોસ કરી ગોવિંદભાઇ હમીરભાઇ રાઠોડ (ઉ.વ.૩૫) બીડી લઈ પતાના ઝુંપડા તરફ પરત આવતા હતા તે દરમિયાન પસાર થતી ટ્રેનની અડફેટે આવી જતા શરીરે જીવલેણ ઇજાઓ પહોંચી હતી જેને પગલે તેઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજતા હમીરભાઇ આનંદભાઇ રાઠોડે મોરબી સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી જેને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય એક કિસ્સામાં માળીયા મિયાણાં તાલુકાના સરવડ ખાતે
રહેતી દિવ્યાબેન શૈલેષભાઇ ફુલતરીયા નામની 21 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામા આવી હતી પરંતુ સારવાર કારગત ન નિવડતા તેણીનું સારવાર દરમ્યાન મોત થયું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. આ અંગે માળીયા મિયાણા પોલીસ સ્ટાફે વધુ તપાસ આદરી છે.