મોરબી જિલ્લામાં લાંબો સમય શાંત રહ્યા બાદ ફરી કોરોના ફુફાળો મારી રહ્યો છે તેવા સંજોગો વચ્ચે આજે સતત ત્રીજા દિવસે એક કોરોના પોઝીટીવ કેસ સામે આવતા લોકોમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે સાથે તંત્રની ચિંતામાં પણ વધારો નોંધાયો છે.કુંણો પડેલો કોરોના ફરી રાક્ષસી રૂપ લેતો હોવાના ભણકારા વાગી રહ્યા છે ત્યારે મોરબી શહેરમાં ગઈ કાલે પોઝીટીવ આવેલ મહિલાના પતિ (ઉંમર વર્ષ – 41)ને પણ કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તાત્કાલિક રિપોર્ટ કરાવ્યા હતાં જેમાં તેઓને કોરોના થયો હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારોમાં મુંબઈ ફરવા ગયા બાદ તા:- 8/11/21 ના રોજ મોરબી પરત આવ્યા બાદ આજે દર્દીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં દર્દી એ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોવા છતાં પોઝીટીવ રિપોર્ટ આવતા તંત્રમાં પણ ચિંતા વ્યાપી છે.
કોરોના સામે હાથવગા હથિયાર તરીકે તમામ લોકો વેકસીનના ડોઝ સત્વરે મેળવી લેવા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર – મોરબી દ્વારા આહવાન કરાયુ છે.