મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો શુભારંભ કરાયો હતો આ ઉપરાંત મોરબી જિલ્લાની આત્મનિર્ભર ગ્રામ યાત્રાને રાજપર ખાતેથી બિન અનામત આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરાએ ફ્લેગ ઓફ આપી શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે હંસરાજભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર છેવાડાના માનવીને લક્ષમાં રાખીને તમામ લોકો સુધી સરકારી યોજનાઓ પહોંચે, તેનો લાભ મેળવે અને જાગૃત થાય તેવા આશયથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય લોકોની જરૂરિયાતોને લઈને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ ઘડાઈ રહી છે જે લાભાર્થીઓ સુધી પહોંચે અને તેને લાભ મળે ત્યાં સુધી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આત્મનિર્ભર ગ્રામ યાત્રા અંતર્ગત રાજ્ય સરકારના ૧૧ વિભાગોના લોકાર્પણ, ખાતમૂહુર્ત તેમજ સહાય વિતરણ કરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં ગ્રામ વિકાસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ પંચાયત, સામાન્ય વહિવટ વિભાગ, પશુપાલન વિભાગ, આરોગ્ય, વાસ્મો, શિક્ષણ, કૃષિ, સમાજ સુરક્ષા, મત્સ્ય ઉદ્યોગ, સમાજ કલ્યાણ સહિત વિભાગોના કુલ ૧૮૩૪ જેટલા વિકાસના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર આત્મનિર્ભર ગ્રામ યાત્રા દરમિયાન ૪૩.૫૫ કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ – ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૯૭૩ જેટલા વ્યક્તિગત સહાયના લાભાર્થીઓને અંદાજે ૪૦ લાખ રૂપિયાની સહાય પણ વિતરણ કરવામાં આવી હતી.
આત્મનિર્ભર ગ્રામ યાત્રા દરમિયાન ૬૨.૪૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ આવાસના ૫૨ કામોનું લોકાર્પણ અને ૧૪.૪૦ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર ૧૨ કામોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે ૧૦ લાભાર્થીઓને ૪.૬૦ લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ૧૮૨ લાખ રૂપિયાના ખર્ચે ૨૬ આંગણવાડીનું ખાતમૂહુર્ત થયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ મોરબી જિલ્લામાં થઇ રહેલા વિકાસકાર્યો અંગે લોકોને માહિતગાર કર્યા હતા. જ્યારે તાલુકા વિકાસ અધિકારી પૃથ્વીરાજસિંહ ગોહિલે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા.
આ રથના માધ્યમથી લોકોમાં સ્વચ્છ ભારત મિશન, સામૂહિક શૌચાલય, વ્યક્તિગત શૌચાલય, નવા સખી મંડળની રચના, પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા, જાહેર આરોગ્ય, કોરોના રસીકરણ, પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતી, બાગાયત ખેતી, પશુપાલન, પર્યાવરણ જાગૃતિના મુદ્દાઓ પરની યોજનાઓ અંગેની સમજ તેમજ ફિલ્મ નિદર્શન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં બે રથની ફાળવણી કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે મોરબી જિલ્લાની રવાપર, લજાઇ, ઓટાળા, ટંકારા, સાપકડા, ટીકર, ખાખરેચી, ઘનશ્યામપુર જિલ્લા પંચાયત બેઠકના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આત્મનિર્ભર ગ્રામ યાત્રા પ્રસંગે આયોજિત સમારંભમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, કારોબારી ચેરમેન જયંતીભાઇ પડસુંબીયા, ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારેધી, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસદડિયા, રાજપર ગામના સરપંચ નિતિક્ષાબેન મારવણીયા, અગ્રણી જીગ્નેશભાઇ કૈલા સહિત જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મીતાબેન જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઇલાબેન ગોહિલ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, પંચાયતના કાર્યપાલક ઇજનેરશ્રી ચૌધરી, મામલતદાર ડે.જે. જાડેજા, તાલુકા વિકાસ અધિકારી પૃથ્વીરાજસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.