‘ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શુ થવાનું છે’ ની માફક મોરબી તાલુકાના લખધીરપૂર ગામે પરમાર પરિવારની યુવતીના લગ્નની શરણાઈ ગુંજતી હતી અને શુભ લગ્નનો ઢીબાંગ ઢોલ ધબુકતો હતો આવા પ્રસંગે યુવતીની નાની બેનનું અચાનક હાર્ટ એટેકથી મોત નિપજતા લગ્નનો અવસર માતમમાં ફેરવાઈ ગયો હતો અને મંગલ ગીતોના સ્થાને મળસિયા અને રોકકળાટ ફેલાયો હતો.
લખધીરપૂર ગામની આ કરુણાંતિકાંની વિગત મુજબ પરમાર પરિવારના આંગણે શુભ લગ્નનો રૂડો અવસર આવ્યો હતો. જગદીશભાઈ પરમારની પુત્રીના રાત્રે લગ્ન હોવાથી વરઘોડિયા મંગલ ફેરા ફરી રહ્યાં હતા અને લગ્નના એક પછી એક ચડિયાતા ગીતોની રમઝટ જામી હતી. મોટા બેન લગ્નના મંડપમાં ફેરા ફરતા હતા.આ દરમિયાન તેના નાના બેન હેતલબેનને હાર્ટ એટેક આવતા દેકારો અને દોડધામ મચી જવા પામી હતી. લાખ કોશિશ છતાં હેતલબેન જગદીશભાઈ પરમાર (ઉ.વ.21) ને હાર્ટ એટેક જીવલેણ સાબિત થતા તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવને પગલે લગ્ન મંડપમાં અને પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો. અને આનંદનો અવસર માતમમાં પલટાઈ જતા ખળભળાટ મચી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે હેતલ બેનના માતાનું આશરે 8 મહિના પહેલા કોરોનાને પગલે મોત થયું હતું. મોટા બેન ફેરા ફરતી વેળાએ માતાની ગેરહાજરી હોય તેના આઘાતના કારણે હેતલબેનને લાગી આવતા હાર્ટ એટેક આવ્યો હોવાનું તેમના સગા પાસેથી જાણવા મળ્યું છે.