જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને સંભવિત નુકસાનથી બચવા કરી અપીલ
હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે પશ્ચિમી વિક્ષોભના કારણે આગામી બે દિવસ દરમિયાન મોરબી જીલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદની સંભાવના છે. જેને અનુલક્ષીને ખેડૂતોને ખેતરમાં ઉભા પાકની કાપણી મુલતવી રાખવી અને પાણીના નિતારની યોગ્ય વ્યવસ્થા કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને ખાસ અપીલ કરવામાં આવી છે.
અગાઉ કાપણી કરેલ પાકના થ્રેશર અને ખળાની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરી ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા અથવા તાડપત્રી/પ્લાસ્ટિક થી ઢાંકવું તેમજ ઢગલાની ફરતે માટી ચઢાવી ઢગલામાં પાણી જતુ અટકાવવું, નવા પાકનું વાવેતર હાલ પુરતું ટાળવુ, ખેતરમાં રહેલ ઘાસચારાના ઢગલા વ્યવસ્થિત જગ્યાએ ઢાંકીને રાખવા. પશુઓ ને વિજળીના થાંભલા કે ઝાડ નીચે ન રાખતા સલામત સ્થળે રાખવા અને દોરી/સાંકળ થી બાંધવાનું ટાળવું. રાસાયણિક ખાતર કે બિયારણ પલળે નહીં તે મુજબ સુરક્ષિત જગ્યાએ રાખવુ. વેચાણ અથવા સંગ્રહ માટે લઇ જવાતી ખેતપેદાશો તાડપત્રીથી ઢાંકી ને જ લઇ જવી. ખેતરમાં કે ઘરની આજુબાજુ મોટા ઝાડ હોય તો તેની છંટણી અવશ્ય કરવી. વધુ માહિતી માટે આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતીવાડી અધિકારી અથવા કિસાન કૉલ સેન્ટર ના ટોલ ફ્રી નંબર 1551 (18001801551) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણ ની અખબારી યાદીમાં જણાવાયું છે.