મોરબીના લાતી પ્લોટ મેઈન રોડ પર જલારામ મંદિર પાછળના ભાગે ગટરના ગંધાતા પાણીની સમસ્યા વારંવાર માથું ઊંચકે છે. ઉભરાતી ગટર અને ગંદકીથી આ વિસ્તારના વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પ્રશ્નના નિવેડાની માંગ સાથે વેપારીઓએ મોરબી પાલિકાના ઉપપ્રમુખને રજુઆત કરી ઘટતું કરવા માંગ ઉઠાવી છે.
વેપારીઓએ રજુઆતમાં જણાવ્યું કે મોરબીના લાતી પ્લોટ મેઈન રોડ પર આવેલ જલારામ મંદિર પાછળના વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ગટરગંગા વહી રહી છે. આ અંગે અગાઉ રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. આ વિસ્તારમા આવેલ “સુલભ શૌચાયલ” ના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી હોવાથી શૌચાયલના ગંધાતા પાણી રોડ પર ભરાઈ રહ્યા છે આ ઉપરાંત જલારામ મંદિરમાં થતા જમણવારના એઠવાડ પણ રોડ પર ફેંકવામાં આવતો હોવાથી માથું ફાડી નાખે તેવી તીવ્ર દુર્ગંધ આવે છે. તાત્કાલિક આ દિશામાં કાર્યવાહી કરવામાં આવે તેવી વેપારીઓએ માંગ ઉઠાવી છે.
એક બાજુ કોરોનાના કેસોમા વધારો થઈ રહ્યો છે ત્યારે સ્વચ્છતા રાખવા અંગે આગ્રહ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ ગંભીર સમસ્યાને લઈને અનેક લોકોના આરોગ્ય પર જોખમ મંડરાઈ રહ્યું છે.આ અંગે આપને એક માસ અગાઉ રજુઆત કરવા છતાં સમસ્યાનો અંત આવ્યો નથી તેમ રજૂઆતના અંતમાં વેપારીઓએ જણાવ્યું હતું.