રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરીત તથા કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત ઉમંગ ઉત્સવનું આયોજન થનાર છે. આ ઉમંગ ઉત્સવ દિવ્યાંગ (વિકલાંગ) બાળકોને સંગીત, નૃત્ય, નાટ્ય તેમજ લોકકલા અને રાજ્યના અમુલ્ય વારસા અંગે પ્રોત્સાહિત કરવા દર વર્ષે પ્રદેશકક્ષા તથા રાજ્યકક્ષાએ યોજાય છે. સરકાર માન્ય વિકલાંગ સંસ્થાના ૭ થી ૧૨ વર્ષના તથા માનસિક ક્ષતિગ્રસ્તના ૭ થી ૧૫ વર્ષના બાળકો ઉમંગ ઉત્સવની સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
આ સ્પર્ધામાં સંગીત, નૃત્ય, નાટ્ય અને સાહિત્ય એમ કુલ ૪ વિભાગની સમૂહગીત, એકાંકી, લોકનૃત્ય, રાસ, ગરબા, વકતૃત્વ, નિબંધ, કાવ્યલેખન, દુહા-છંદ-ચોપાઈ, લોક્વાર્તા એમ કુલ ૧૦ સ્પર્ધાઓ યોજાશે. ઉમંગ ઉત્સવમાં ભાગ લેવા ઇચ્છુક મોરબી જિલ્લાની સરકાર માન્ય દિવ્યાંગ બાળકોની સંસ્થાએ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં. ૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતેથી પ્રવેશપત્ર મેળવી તારીખ ૧૫ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં જમા કરાવવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવેલ છે.