અગાઉ નેકનામ ખાતે મેલરીયા વિભાગમાં હંગામી ફરજ બજાવતો હોવાનું ખુલ્યું શહેરના અનેક ધોડા ડોક્ટરોએ રાતો રાત દવાખાનાના સટરીયા પાડી દીધા
ટંકારા : ટંકારા તાલુકાના છતર ગામે ધોરણ 12 સુધી જ ભણેલ મુન્નાભાઈ એમબીબીએસ ધમધોકાર દવાખાનું ચલાવતો હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડી આ ઘોડા ડોક્ટરને ઝડપી લઈ મેડિકલ પ્રેક્ટિશનર એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના છતર ગામે નવા પ્લોટ વિસ્તારમાં મારુતિ ક્લિનિકના નામે છતર ગામનો જ ધોરણ 12 સુધી ભણેલો મામૈયાભાઇ કાનાભાઇ કળોતરા (ઉ.વ.૩૩) જન આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા ક્લિનિકમાંથી ઇન્જેક્શન, એલોપેથી દવા સહિતની સામગ્રી સાથે મમૈયાભાઈ રૂપી મુન્નાભાઈ ઝડપાઇ ગયા હતા. વધુમાં પોલીસના દરોડા દરમિયાન આરોપી ઘોડા ડોકટર પાસેથી બોગસ આઇડેન્ટિટી કાર્ડ પણ મળી આવ્યું હતું. જેમાં તે બીએમએએસનો કોર્ષ કરેલ હોવાનું અને અલ્ટરનેટ મેડિકલ કાઉન્સિલ કોલકતા દ્વારા તે પ્રમાણિત થયો હોવાનું દર્શાવ્યું હતું.
દરમિયાન ટંકારા પોલીસે છતર નવા પ્લોટમાં આવેલ બોગસ તબીબના મારૂતી દવાખાનામાંથી વિલાયતી દવાનો જથ્થો તથા સારવારના અન્ય સાધનો મળી કુલ કી.રૂ. 28557નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી બોગસ તબીબ મમૈયાભાઈ વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૩૩૬ તથા મેડીકલ પ્રેકટીશનર એકટ ૩૦, ૩૩ મુજબ કોઇપણ પ્રકારની ડીગ્રી વગર બીમાર દર્દીઓની સારવાર કરી મનુષય જીંદગી જોખમાય તે રીતે બેદરકારી દાખવી મેડીકલ પ્રેકટીશ કરવા મામલે ગુન્હો નોંધી આરોપીના કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ કરવા કાર્યવાહી શરૂ કરી છે.