મોરબી : તાજેતરમાં જ બનાવાયેલ મોરબીના રફાળેશ્વરથી જોધપર નદીને જોડતા માર્ગ જાણે અકસ્માતનું ઘર બની ગયો હોય તેમ રોડ ઉપર સ્પીડ બ્રેકર ન મુકતા વારંવાર અકસ્માત સર્જાઈ છે. બેફામ સ્પીડે દોડતા વાહનોને પગલે અકસ્માત સર્જાતા હોવાથી ભયભીત થયેલ લોકો આકરા પાણીએ થઇ ચક્કાજામ કરતા પોલીસે દોડી ગઈ હતી.
મોરબીના રફાળેશ્વર ગામથી જોધપર નદીને જોડતો માર્ગ ખખડધજ હાલતમાં હોવાથી તાજેતરમાં જ રોડ નવો બનાવાયો હતો. પરંતુ આ રોડ પર એક પણ સ્પીડ બ્રેકર ન મુક્તા ભારે વાહનોના ચાલકો આડેધડ બની બેફામ વાહનો ચલાવે છે જેથી દરરોજ અકસ્માતના નાના મોટા બનાવી સામે આવે છે. તેવા સંજોગો વચ્ચે આજે જ આ રોડ ઉપર એક ભારે વાહન ચાલકે એક બાઈક ચાલકને ઉડાવ્યો વાહન ચાલક ભાગી છુટતા બાઈક ચાલકને ઇજા થઇ હતી. અવારનવાર બનતા આ અકસ્માતને લઈને સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને સ્થાનિક લોકોએ રફાળેશ્વર જીઆઇડીસીના નાકા પાસે ચક્કાજામ કરી દીધો હતો.આ બનાવની જાણ થતાં તુરંત પોલીસે દોડી જઈને લોકોને સમજાવી ટ્રાફિક કિલિયર કર્યો હતો. લોકોએ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.