મોરબીને લાંબા અંતરની ટ્રેન ફાળવવા તથા ગુડ્ઝ ટ્રેન ફાળવવા ઉપરાંત રેલ્વેમાં સીનીયર સીટીઝનોને તેમજ મહિલાઓને બંધ કરાયેલ કન્શેસન લાભો ફરીથી ચાલુ કરાવવાની માંગ સાથે મોરબીના ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના અગ્રણીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી સહિતનાઓને રજુઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવ્યું કે ભારતીય રેલ્વેમાં પહેલા સીનીયર સિટીઝનોને કન્શેસન આપવામાં આવતું હતું જે હાલ માં બંધ છે. જે સીનીયર સિટીઝનોને કન્શેસન આપવાનું ચાલુ કરાવી સાથે મહિલાઓને પણ કન્શેસન આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. આ ઉપરાંત એસી કોચમાં આપવામાં આવતી ચાદર, તકિયા બ્લેન્કેટની તેમજ પેન્ટ્રી કારની સુવિધા પણ બંધ કરવામાં આવી છે જેથી પ્લેટફોર્મ પર સ્ટોલધારકો આડેધડ ભાવ ઉઘરાવે છે. ખાસ મોરબીને આજ સુધી લાંબા અંતરની ટ્રેનોની સુવિધા આપવામાં આવી નથી જેથી હરિદ્વાર, અયોધ્યા, બનારસ , જગન્નાથપૂરી, રામેશ્વર વગેરે યાત્રા ધામોને જોડતી લાંબા અંતરની ટ્રેન સેવા મોરબીમાં શરૂ કરવા માંગ ઉઠાવી છે.
એટલું જ નહી મોરબીના સિરામિક ઉધોગોને પ્રોત્સાહન આપવા મારે ખાસ સિરામિક પ્રોડક્ટ માટે જ ગુડ્ઝ ટ્રેન આપવા તેમજ પૂરતા પ્રમાણમાં રેક ફાળવવા અને કન્ટેઈનર ફાળવવા સહિતની માંગ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના કાન્તિલાલ ડી. બાવરવા સહિતનાઓએ રજુઆતમાં કરી છે.