મોરબી જિલ્લામાં સર્વરમાં ધાંધીયાને પગલે શિક્ષકોને ઓનલાઈન હાજરીમાં સમસ્યા સર્જાઇ રહી છે ઓનલાઈન હાજરી પુરાતી ન હોવા છતાં શાળાઓને ઉચ્ચકક્ષાએથી નોટિસ ફટકારાતી હોવાથી મોરબી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત રજુઆત કરાઈ હતી.
રજુઆતમાં જણાવ્યા અનુસાર કોરોના મહામારી બાદ શાળાઓમાં જ્યારથી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થયું ત્યારથી ઓનલાઈન હાજરી પુરવા માટે મોટા પાયે સર્વર પ્રોબ્લેમ સર્જાઈ રહ્યો છે. અમુક કિસ્સાઓમાં હાજરી પુરાઈ ગયા બાદ પણ બતાવતા નથી. ઘણી વખત કલાકો સુધી રાહ જોયા બાદ પણ સર્વર બિઝી બતાવે છે અને પ્રોસેસ અટકી જતી હોવાથી હાજરી પુરાતી નથી આવી સમસ્યાઓ હોવા છતાં શાળાઓને ઉચ્ચકક્ષાએથી નોટિસ આપવામાં આવેલ છે આ સમસ્યા અંગે ઉપલી કક્ષાએ જાણ કરી સર્વર પ્રોબ્લેમ દૂર કરવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવે તેવી શિક્ષકોએ માંગ ઉઠાવી છે.