ધર્મ અને સંસ્કૃતિએ કોઈ પણ દેશના નાગરિકની આગવી ઓળખ અને પરંપરા છે જેની જાળવવી દરેક નાગરિકની જવાબદારી છે ત્યારે મોરબીની નવયુગ વિદ્યાલય ખાતે ભારતીય સંસ્કૃતિનો ઉજાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભૂલકાઓ દ્વારા રેલી, પ્રાર્થના, એકપાત્રી અભિનય સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
તહેવારો અને વિશેષ દિવસો દરમ્યાન પોતાની ભવ્ય ભારતીય સંસ્કૃતિને ભૂલીને પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈ જતાં ભૂલકાઓ અને યુવાનોને ભારતીય સંસ્કૃતિ તરફ પાછા વાળવા તેમજ દેશની મહાન અને દિવ્ય પરંપરાઓ અને મૂલ્યો પ્રત્યે તેઓને જાગૃત કરવાના ઉમદા હેતુ સાથે નવયુગ વિદ્યાલય – મોરબી ખાતે ભારતીય સંસ્કૃતિનો ઉજાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ પ્રાર્થના, એકપાત્રી અભિનય, વેશભૂષા, રેલી, સમૂહ નૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા, નવયુગ એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન કાંજીયા તેમજ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ અવસરે વિદ્યાર્થીઓએ એકથી એક ચડિયાતા કાર્યક્રમો રજૂ કર્યા હતાં. જજ કરવા માટે નિર્ણાયક તરીકે પારૂલબેન પટેલ, હર્ષાબેન પોકાર તેમજ પિન્કીબેન પારવાણી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નવયુગ વિદ્યાલયના સમગ્ર સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી.