મોરબીમાં વ્યાજખોરો જાણે લૂંટારું બન્યા હોય તેવા અવારનવાર કિસ્સાઓ સામે આવે છે ત્યારે આજે વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં વેપારીએ વ્યાજવા નાણાં લીધા બાદ રકમ સહિત ચૂકવી દીધી હોવા છતાં વ્યંજકવાદીઓએ પઠાણી ઉઘરાણી શરૂ રાખતા ત્રાસથી કંટાળી જઇ વેપારીએ ઝેરના પારખા કરી લીધા હોવાનું સામે આવ્યું છે.
મોરબીના મહેન્દ્રનગર ખાતે રોયલ પાર્ક સોસાયટી શેરી નં.૧ જીગ્નેશભાઇ પટેલના મકાનમા ભાડે રહેતા ઉમેશભાઇ નરશીભાઇ પારેજીયાએ આરોપી ભાવેશભાઇ મહેતા રહે.રવાપર રોડ મોરબી, અર્જુનભાઇ આહિર રહે.કુબેર નગર સોસાયટી મોરબી, આશિષભાઇ આહિર રહે.મહેન્દ્રનગર મોરબી અને સોહિલભાઇ સુમરા રહે.પંચારસર રોડ મોરબીવાળા પાસેથી અલગ અલગ ટકે વ્યાજવા નાણાં લીધા હતા. ત્યારબાદ આ રકમ વ્યાજ સહિત પરત આપી દીધા બાદ પણ આરોપીઓએ ઉમેશભાઈના પિતા અને ભાઈ સહિતનાઓ પાસે રૂપિયાની ઉઘરાણી ચાલુ રાખી હતી અને ફરિયાદી તથા તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતા ઉમેશભાઈને મનમાં લાગી આવ્યું હતું જેંથી ઉમેશભાઇ પારેજીયાએ જાતે જીરામા છાટવાની દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ આ અંગે ઉમેશભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઇ.પી.કો કલમ ૩૮૪,૫૦૬(૨), તથા ગુજરાત નાણા ધીરધાર અધીનીયમ -૨૦૧૧ ની કલમ ૫, ૩૩(૩), ૪૦, ૪૨ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.