મોરબી જિલ્લામાં રોડ અકસ્માતના બે બનાવો સામે આવ્યા છે જેમાં ટ્રકની ઠોકરે બાઈક ચાલકને ઇજા અને કારની અડફેટે રીક્ષા ચાલક અને પેસેન્જર ઘવાયા હોવાનું પોલીસ મથકેથી જાહેર થયું છે.
મોરબીના જુના ઘુટુ રોડ પર આવેલ જય ગોપાલ વે-બ્રિજની સામે ટ્રક નંબર G J-11-V V -5300 ના ચાલકે બેફામ સ્પીડે ટ્રક ચલાવી એક્સેસ રજી.નં. GJ-03-FM-9721ને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ઍક્સેસ ચાલક મુળજીભાઇ ચૌહાણ (રહે.રોહીદાસપરા ગુજરાત સો.સા. બી-૨૪ મોરબી) જમીન પર પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઉપરાંત જમણા પગ પરથી ટાયર ફરી વળતા ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક નાશી છૂટતા ઇજા ગ્રસ્તના પુત્ર દિપકભાઇ મુળજીભાઇ ચૌહાણે ટ્રક નંબર G J-11-V V -5300 નો ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલિસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
અકસ્માતના અન્ય એક ગુન્હાની જાણવા મળતી વિગત અનુસાર મોરબી-હળવદ હાઇવે પર આવેલ ઘુટુ ગામ નજીકના નેકસોન સીરામીકના કારખાના પાસે કાર અને રીક્ષા વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં હળવદ તરફથી પુરઝડપે આવતી અર્ટીકા ફોર વ્હીલ કાર રજી નંબર-જી-જે-૩૬-બી-૨૮૭૫ ના ચાલકે એન.જી રીક્ષા જી-જે-૩૬-યુ-૦૫૩૨ને ઠોકર મારી હતી. જે અકસ્માતમાં રીક્ષા ચાલક વાલજીભાઇ પ્રભુભાઇ દેગામા (ઉ.વ-૫૫ રહે-હાલ સીલ્વર પાર્ક સોસાયટી જુના ઘુટુ રોડ તા-જી-મોરબી)ને માથાના તથા કપાળના ભાગે તેમજ રીક્ષામા બેસેલ સાહેદોને ફેક્ચર સહિતની નાની મોટી ઇજા પહોંચી હતી. અકસ્માતને પગલે રીક્ષા ચાલક વાલજીભાઈ એ મોરબી તાલુકા પોલિસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કાર્યો છે.