આધુનિક ટેકનોલોજીના યુગમાં ફિલ્મોનું મહત્ત્વ વધી રહ્યું છે. ત્યારે ગુજરાત પણ ફિલ્મી ઇન્ડસ્ટ્રીના ક્ષેત્રે આધુનિકતા તરફ વધી રહ્યું છે. જ્યારે ટીવી અને મોબાઈલનો યુગ નહોતો ત્યારે લોકોના મનોરંજન માટે કોઈ એક સ્થળ નક્કી કરીને ત્યાં સહુ કોઈ ભેગા મળીને નાટક અને ભવાઈનું આયોજન કરીને મનોરંજન કરવામાં આવતું હતું. એટલે આપણા જીવનમાં આ નાટક અને ભવાઈઓનું મનોરંજન ક્ષેત્રે મહત્વપૂર્ણ અને પાયા સમાન યોગદાન રહ્યું છે.
જ્યારે આટલા બધા સંસાધનો અને ટેકનોલોજીનો અભાવ હતો ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પાયારૂપે ગણી શકાય એવી મોરબીની 138 વર્ષ જુની આર્ય સુબોધ નાટક મંડળી કે જેને પોતાના સમયગાળામાં સમગ્ર દેશમાં પ્રખ્યાતિ મેળવી હતી અને સમગ્ર દેશમાં મોરબીનું નામ ગુંજતુ કર્યું હતું. એ નાટક મંડળીના નાટકો અનેક રજવાડાઓ અને અંગ્રેજ અધિકારીઓ પણ નિહાળી ચુક્યા છે. અને આ નાટક મંડળીને અનેક ઇનામો પણ તેમના તરફથી આપવામાં આવ્યા હતા. હવે જાણીએ થોડી વિસ્તૃત માહિતી મોરબીની આર્ય સુબોધ નાટક મંડળી વિશે….
મોરબી આર્ય સુબોધ નાટક મંડળી, શ્રી (1882થી 1924) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિની અગ્રણી નાટક મંડળી. 1878થી 1882 સુધી પ્રવૃત્ત રહેલી ‘આર્ય સુબોધ નાટક મંડળી’માંથી છૂટા થઈ, મોરબીના સંસ્કારસંપન્ન બ્રાહ્મણ બંધુઓ વાઘજીભાઈ તથા મૂળજીભાઈ આશારામ ઓઝાએ એ મંડળીના નામ આગળ ‘મોરબી’ શબ્દ ઉમેરી આ નવા નામે નાટ્યપ્રવૃત્તિ શરૂ કરી હતી. રંગભૂમિ મારફત લોકરંજનની સાથોસાથ નીતિબોધનો આદર્શ પણ પાર પડે એવા શુભાશયથી આ કંપનીએ ત્યારના કાઠિયાવાડ પ્રદેશ, સમસ્ત ગુજરાત તથા મુંબઈ શહેરમાં નાટકો ભજવી ભારે નામના મેળવી અને ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં મોખરાનું સ્થાન મેળવ્યું હતું. આ નાટક મંડળીમાં સંસ્કારી બ્રાહ્મણ-યુવકોના જૂથનો સહકાર લઈ તળપદી ગુજરાતી રંગભૂમિનો તેમણે પાયો નાખ્યો અને તત્કાલીન રંગભૂમિ પર પ્રચલિત બીભત્સતાને ખાળવા સંનિષ્ઠ કોશિશ કરી; પોતાની મંડળીમાં નિયમિતતા, સંગીત-તાલીમ, ધાર્મિક-ઐતિહાસિક નાટકોની જ રજૂઆત જેવી વિશિષ્ટતા તેમણે ચીવટપૂર્વક જાળવી. વાઘજીભાઈએ માલિક, નટ, લેખક અને દિગ્દર્શક તરીકેનો કાર્યભાર સફળતાપૂર્વક સંભાળ્યો હતો.
તેમની ભજવણીશૈલીનું એક લાક્ષણિક નાટક તે ‘ભર્તૃહરિ’. આ નાટક 1880 પહેલાં લખાયું અને 1883માં છપાયું હતું. આ નાટકમાં વાઘજીભાઈ ભર્તૃહરિના પાઠમાં શુદ્ધ સોનાનો અછોડો પહેરી અભિનય કરતા હતા. નાટકની અપૂર્વ સફળતાથી અનેકને વૈરાગ્યબોધ થયેલો. વડોદરા નરેશ સયાજીરાવે તેમના શીતળ નિવાસમાં તેમનાં નાટકો ભજવાવી રૂ. 3,000 આપી બહુમાન કર્યું હતું. ઐતિહાસિક-પૌરાણિક મળીને વાઘજીભાઈએ 16 નાટકો લખ્યાં અને તેમના ભાઈ મૂળજીભાઈએ તે છપાવ્યાં હતા. વાઘજીભાઈએ ભજવેલાં અન્ય નાટકોમાં ‘ચાંપરાજ હાડો’ (1887), ‘ત્રિવિક્રમ’ અને ‘ચંદ્રહાસ’ મુખ્ય છે. ‘ચંદ્રહાસ’માં મુકાયેલ ‘વટસાવિત્રી વ્રત આજ પૂરણ કરીએ રે’ ગરબો બેહદ લોકપ્રિય થયો અને તે કારણે ગરબારાસની ગુજરાતની લોકપરંપરાને રંગભૂમિ પર નવજીવન મળ્યું.
વાઘજીભાઈના અવસાન પછી કંપનીનું સુકાન મૂળજીભાઈએ સંભાળ્યું અને કવિ-ચિત્રકાર ફૂલચંદભાઈરચિત ‘મહાસતી અનસૂયા’ (ભજવાયું 13 જૂન 1908) અને ‘સુકન્યા સાવિત્રી’ તથા રઘુનાથ બ્રહ્મભટ્ટ રચિત ‘બુદ્ધદેવ’ (ભજવાયું 15 ઑગસ્ટ, 1914) જેવાં નાટકો કરી પ્રગતિશીલ વળાંક દર્શાવ્યો. મૂળજીભાઈ નાટકની ‘ઑપેરા’ પર લેખક તરીકે પોતાનું નામ છપાવતા. 1918માં તેમના અવસાન પછી ‘ગેઇટી થિયેટર’ના માલિકોએ આ મંડળી ખરીદી લીધી હતી.