મોરબી પંથકમા વ્યાજખોરો જાણે લૂંટારુ બન્યા હોવાનો આજે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પુત્રની કફની બીમારીની દવા માટે લીલાપર ગામના યુવાને દોઢ લાખ વ્યાજે લીધા હતા. જેમાં વ્યાજંક્વાદીઓ એ દસ દિવસે 24 ટકા વ્યાજ વસૂલી મારી નાખવાની ધમકી આપતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબીના લીલાપર ગામના શક્તિમાતાજીના મંદિર નજીક રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા બિપીનભાઈ મલાભાઈ રાઠોડના પુત્ર પ્રતિકને કફની બીમારી હોવાથી સારવાર અર્થે રાજકોટની દોશી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર માટે નાણાંની જરૂર પડતા બિપીનભાઈએ તેમના કાકાજી સસરા જૈનીશભાઈની ઓળખાણથી મોરબીના રબારીવાસમાં રહેતા દેવાભાઇ દિલાભાઇ રબારી પાસેથી 1 લાખ રૂપિયા 24 ટકા જેટલા ઊંચા વ્યાજે લઈ દસ દિવસે રૂપિયા 8000 જેવું વ્યાજ ચુકવતા હતા.
આ ઉપરાંત વધુ નાણાંની જરૂર પડતા બિપીનભાઈએ દેવાભાઇ પાસેથી વધુ 50 હજાર રૂપિયા આપ્યા દર દસ દિવસે વ્યાજ આપવાની શરતે મેળવ્યા હતા આ દરમિયાન આર્થિક ભીંસ આવી જતા 26 દિવસથી વ્યાજ ચૂકવી ન શકતા વ્યાજખોર દેવા રબારીએ બિપીનભાઈને વ્યાજના રૂપિયા 1.80 લાખ આપી જજે નહિતર મારી નાખીશ તેવી ધમકી આપતા બિપીનભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જેને પગલે પોલીસે આરોપી દેવાભાઇ દિલાભાઇ રબારી વિરુદ્ધ આઇપીસી કલમ તેમજ ગુજરાત નાણાં ધીરધાર નિયમો અંતર્ગત ગુન્હો દાખલ કરી કાર્યવાહી આદરી છે.