મોરબી જિલ્લામાં ૭૩ માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યની અધ્યક્ષતામાં શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે ૯:૦૦ કલાકે યોજાનાર છે. આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂં રીતે યોજાય તે માટેનું રિહર્સલ જિલ્લા કલેક્ટર જે.બી. પટેલની રાહબરી હેઠળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યું હતું. આ રિહર્સલમાં કલેક્ટરએ અધ્યક્ષનું આગમન, ધ્વજવંદન, પોલીસ ટૂકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, મંત્રી દ્વારા ઉદબોધન, કોરોના વોરીયર્સને પ્રિકોશન ડોઝ, વૃક્ષારોપણ સહિતનાં આયોજનો અંગે સ્થળ પર અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમનાં દિવસે પદાધિકારી/અધિકારીઓ, પત્રકારો, ઓડિયન્સ વગેરેની બેઠક વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી આ માટેની સુચારુ વ્યવસ્થા ગોઠવવા માટેની સુચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી. આમ, જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીની તમામ તૈયારીઓ સંપન્ન કરી તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ પ્રસંગે પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, ડીવાયએસપી પઠાણ, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, મામલતદાર રૂપાપરા સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.